ગિરગામ ચોપાટી પર વિસર્જન વખતે ગુમ થયેલાં ૨૨ બાળકને પોલીસે શોધી કાઢ્યાં
મુંબઈ: અનંત ચતુર્દશીએ મુંબઈમાં ગણેશ વિસર્જન વખતે લાખો લોકો રસ્તા પર ઊતરી આવતા હોઇ આ ધામધૂમ વચ્ચે ગિરગામ ચોપાટી પર ૨૨ જેટલા બાળક ગુમ થયા હતા અને પોલીસે વિશેષ જહેમત લઇને તેમને શોધી કાઢ્યા હતા. આ બાળકોને બાદમાં તેમનાં માતા-પિતાને હવાલે કરવામાં આવ્યા હતા.
ગણેશ વિસર્જનને દિવસે બાપ્પાના છેલ્લા દર્શન કરવા માટે ગિરગામ ચોપાટી પર મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. એવામાં ત્યાં ભીડ વચ્ચે ૭થી ૧૪ વર્ષની વયના બાળકો તેમનાં માતા-પિતા અથવા સંબંધીઓથી છૂટા પડી ગયા હતા. પોલીસ ક્ધટ્રોલ રૂમને પણ આવા અનેક કૉલ્સ આવ્યા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસ કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની આગેવાની હેઠળ અનેક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને વિશેષ ટીમે બાળકોને શોધવાનું શરૂ કર્યું હતું.
લાઉડ સ્પીકરોથી સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું હતું. એ સિવાય એસઆઇ દિપાલી કાંદળકર અને ટીમ રાતભર બાળકોની શોધ ચલાવી રહી
હતી. આખરે ૨૨ બાળકોને શોધી કઢાયા હતા અને તેમને તેમનાં માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા. આમાંથી એક સાત વર્ષનો બાળક ગભરાયેલો હોવાથી માતા-પિતાનો મોબાઇલ નંબર આપી શકતો નહોતો. તેને વિશ્ર્વાસમાં લઇને ખાવાનું અપાયું હતું. રાતે તે સૂઇ ગયો હતો અને સવારે ઊઠ્યા બાદ ફરીથી તેને વિશ્ર્વાસમાં લેતાં તે નાગપાડામાં ગણેશ મંડળની બાજુની ઇમારતમાં રહેતો હોવાનું જણાયું હતું.