બોલો, ‘બનાવટી મેડિકલ રિપોર્ટ’નું કૌભાંડ: વોર્ડ બોય સહિત ચાર ગઠિયા પકડાયા
મુંબઈ: મુંબઈ પોલીસે બનાવટી મેડિકલના દસ્તાવેજો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. એક સિવિલ હૉસ્પિટલના વૉર્ડબૉય સાથે બીજા ચાર લોકોની અટક કરવામાં આવી છે. આ દરેક આરોપીઓ ક્લાઈન્ટને ઇજા પહોંચાડતા હતા, જેથી ક્લાયન્ટસ તેના દુશ્મનો સામે ઇજા પહોંચાડવાના આરોપસર ગુનો નોંધાવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
બનાવટી મેડિકલ સર્ટિફિકેટના રેકેટમાં અટકાયત કરવામાં આવેલા મુખ્ય આરોપી વાસુ થોમ્બ્રે તેના ક્લાયન્ટ્સની આંગળીઓ પર એક પ્રકારનું ઝેર લગાવતો હતો અને ત્યાર બાદ તેમની આંગળીઓને તોડી નાખતો હતો, જેથી હૉસ્પિટલમાં ડૉક્ટર આંગળીઓની ઇજાની તપાસ કરી મેડિકલ દસ્તાવેજ બનાવતા હતા. દસ્તાવેજ બનાવ્યા પછી ઘાયલ વ્યક્તિ પોલીસ પાસે જઈને તેના વિરોધી તત્વો સામે ફરિયાદ નોંધાવી જૂના વિવાદને લઈને તેમની સાથે મારપીટ કરી હોવાનો આરોપ પણ લગાવતા હતા.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી વાસુ થોમ્બ્રે સાથે બાબુ નિસાર સૈયદ, સમીર ઇશ્તિયાક હુસૈન અને અબ્દુલ હમીદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ આ પ્રકારનું કૃત્ય કરવા માટે 40,000થી 50,000 રૂપિયા ક્લાયન્ટ્સ પાસેથી લેતા હતા. એક સરકારી હૉસ્પિટલમાં ફૈઝાન અહમદ નામનો વ્યક્તિ સારવાર લેવા માટે આવ્યો હતો, ત્યાં ડૉક્ટરને ઇજા થયેલી આંગળીઓની સારવાર કરવા દરમિયાન શંકા થતાં પોલીસને જાણ કરી હતી અને ત્યાર બાદ અહમદને પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ મુદ્દે અહમદે ખુલાસો કર્યો હતો.
અહમદે પોલીસને કહ્યું કે તે તેના વિસ્તારના ત્રણ લોકોને ખોટા ગુનાના કેસમાં ફસાવવા માગતો હતો એટલે તેણે આંગળીઓ તોડાવી હતી. અહમદની કબૂલાત બાદ પોલીસે આઇપીસીની વિવિધ કલમો હેઠળ દરેક આરોપીઓની અટક કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ છેલ્લા અનેક મહિનાથી આ રેકેટ ચલાવી રહ્યા છે.