ખારની પૉશ સોસાયટીમાં ચાલતા જુગાર પર પોલીસની કાર્યવાહી: 45ની ધરપકડ
આરોપીઓમાં 12 મહિલાનો સમાવેશ: 34 લાખની રોકડ અને એક કરોડના પ્લાસ્ટિક કૉઈન્સ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ખાર પશ્ર્ચિમની પૉશ સોસાયટીમાં ચાલતા ગેરકાયદે જુગારના અડ્ડા પર કાર્યવાહી કરી ક્રાઈમ બ્રાન્ચે 12 મહિલા સહિત 45 જણની ધરપકડ કરી હતી.
ખારમાં આંબેડકર રોડ સ્થિત એક બિલ્ડિંગમાં જુગાર રમાડવામાં આવતો હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે શુક્રવારની મધરાતે એક વાગ્યાની આસપાસ કાર્યવાહી કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ આખો માળ જુગાર રમનારાઓથી ભરાઈ જતો હોવાથી રહેવાસીઓએ ભારે ત્રાસ સહન કરવો પડતો હતો. વારંવાર સૂચના આપવા છતાં જુગાર બંધ ન થતાં આખરે પોલીસની મદદ લેવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંબંધિત સ્થળે રેઇડ કરવામાં આવી ત્યારે 38 ગ્રાહકો જુગાર રમતા ઝડપાયા હતા. જુગાર રમવા માટે મદદ કરનારા ત્રણ જૉકીને પણ તાબામાં લેવાયા હતા.
જુગારનો અડ્ડો ચાર ભાગીદાર ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. ત્રણ ટેબલ પર પોકર અને તીન પત્તીનો જુગાર ચાલતો હતો. રૂપિયાને બદલે પ્લાસ્ટિક કૉઈન્સનો ઉપયોગ કરાતો હતો. એક કરોડથી વધુ કૉઈન્સ જપ્ત કરવામાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે.
જુગાર માટે જે ફ્લૅટનો ઉપયોગ કરાતો હતો તેના માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે શનિવારની મોડી સાંજ સુધી તેની ધરપકડ કરાઈ નહોતી. ધરપકડ કરાયેલાઓમાં ચાર ભાગીદાર, ત્રણ જૉકી અને ગ્રાહકોનો સમાવેશ થાય છે.