બોલો, ગુનેગારોની સાથે પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ મનાવ્યો બર્થ-ડે

મુંબઈ: પિંપરી-ચિંચવડમાં પોલીસ સ્ટેશનમાં જ બર્થ-ડે સેલિબ્રેશન કરનારા કોન્સ્ટેબલ પર પોલીસ કમિશનરે કાર્યવાહી કરી છે. ભરરસ્તે રાતના 12 વાગ્યાનો ડંકો વાગતાં જ સાંગવી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ પાટીલના જન્મદિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ચાર ગુનેગાર પણ હાજર હતા. આ ગુનેગારોએ જ પોલીસની બર્થ-ડે પાર્ટીનું આયોજન કર્યું હોવાની વાત બહાર આવતાં સિનિયર અધિકારીએ આ અંગે ગંભીર નોંધ લઇને પ્રવીણ પાટીલ અને તેની સાથેના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હતી. હવે બર્થ-ડેનું આયોજન કરનારા ગુનેગારો વિરુદ્ધ ગુનો નોંધાશે કે કેમ, એની તરફ બધાની નજર છે.
આ પણ વાંચો: મહિલા કોન્સ્ટેબલે ટ્રેન સાથે ઘસડાતી મહિલાનો જીવ બચાવ્યો: વીડિયો વાયરલ
પ્રાપ્ત માહિતી અનુસાર રાતના 12ના ટકોરે પ્રવીણ પાટીલના જન્મદિવસ નિમિત્તે પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ રસ્તા પર ટેબલ ગોઠવવામાં આવ્યું હતું. તેના પર કેક રાખીને ફટાકડા પણ ફોડવામાં આવ્યા. આટલું જ નહીં આના માટે ડ્રોનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઇ રીલસ્ટારને શરમાવી દે એવી આ પાર્ટીની રીલ પણ ઉતારવામાં આવી હતી.
શિસ્તભંગ થયો હોવાનું જણાવીને સિનિયર અધિકારીએ પાટીલ સહિત અન્ય ચાર અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા. જોકે આ રીલનો વીડિયો વાયરલ થયો હોવાથી હવે ગુનેગારો પર પણ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ જોવાનું રહ્યું. પાટીલની આવી હરકતને કારણે પોલીસ વિભાગનું નામ ખરાબ થયું હતું.