બાળકી દત્તક અપાવવાને નામે મહિલા સાથે, નવ લાખની છેતરપિંડી: આરોપી પકડાયો
મુંબઈ: સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતી મહિલા સાથે બાળકી દત્તક અપાવવાને બહાને નવ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારા શખસની પોલીસે ધરપકડ કરી હતી.
સમતા નગર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સાહિલ અબ્દુલ હમીદ શેખ તરીકે થઈ હતી. શેખે પોતાની ઓળખ એનજીઓના કર્મચારી તરીકે આપી હતી અને મહિલાને નવજાત શિશુ દત્તક અપાવવામાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી.
કાંદિવલી પૂર્વમાં રહેતી 46 વર્ષની મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી નર્સ તરીકે કાર્યરત હોઈ હાલમાં એક દર્દીની કૅરટેકર તરીકે કામ કરે છે. લગ્નને 15 વર્ષ વીત્યાં છતાં સંતાન ન હોવાથી મહિલાએ બાળક દત્તક લેવાનું વિચાર્યું હતું. બાળક દત્તક લેવાની પ્રક્રિયા અંગેની પૂછપરછ દરમિયાન તેની ઓળખાણ એક ફ્રેન્ડ મારફત આરોપી શેખ સાથે થઈ હતી. શેખે બાળક દત્તક અપાવવામાં મદદ કરવાની ખાતરી આપી હતી.
ALSO READ : શૅર ટ્રેડિંગમાં રોકાણ પર છ મહિનામાં બમણાં નાણાંની લાલચે છેતરપિંડી: દંપતી સામે ગુનો
નવેમ્બર, 2020માં શેખે ફરિયાદીને કહ્યું હતું કે એક મહિલા તેની બાળકી દત્તક આપવા તૈયાર છે. આ માટે ફરિયાદી પાસેથી ફોર્મ ભરાવી પ્રોસેસિંગ ફી પેટે દોઢ લાખ રૂપિયા શેખે લીધા હતા. થોડા દિવસ પછી શેખે બાળકી કોવિડને કારણે મૃત્યુ પામી હોવાનું કહ્યું હતું.
અમુક દિવસ વીત્યા પછી શેખે દાદી સાથે રહેતી બીજી બાળકીને દત્તક લેવા સંબંધી વાત કરી હતી. દાદી બાળકીની સંભાળ રાખી શકતી ન હોવાથી તે દત્તક આપવા માગે છે, એવું શેખે કહ્યું હતું. આ બાળકી માટે શેખે ફરિયાદી પાસેથી 7.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા લીધા પછી શેખે ફરિયાદીના કૉલ રિસીવ કરવાનું બંધ કર્યું હતું.
દરમિયાન 2023માં ફરિયાદીને ફાઈનાન્સ કંપનીમાંથી ફોન આવ્યો હતો અને બાઈકના હપ્તા ચૂકવવામાં ન આવ્યા હોવાનું કંપનીના કર્મચારીએ કહ્યું હતું. તપાસ કરતાં બાળકી દત્તક લેવા માટે આપેલા દસ્તાવેજોનો શેખે બાઈક ખરીદવા દુરુપયોગ કર્યો હોવાનું જણાયું હતું. આખરે મહિલાએ સમતા નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બુધવારે શેખને કાંદિવલી પરિસરમાંથી પકડી પાડ્યો હતો.