ચોરી કરનારી બે ગૅન્ગના ચાર જણની ધરપકડ: 29 ગુના ઉકેલાયાનો દાવો...
આમચી મુંબઈ

ચોરી કરનારી બે ગૅન્ગના ચાર જણની ધરપકડ: 29 ગુના ઉકેલાયાનો દાવો…

થાણે: વાહનચોરી, ચેન સ્નેચિંગ, બંધ ઘરોમાં ચોરી, લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલી બે ગૅન્ગના ચાર સભ્યની ધરપકડ કરી પોલીસે અંદાજે 36 લાખ રૂપિયાની મતા હસ્તગત કરી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી ઈરાની અને શિકલીગર ગૅન્ગ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું. આરોપીઓની ઓળખ વાસિમ યુસુફ અલી સૈયદ ઉર્ફે વાસિમ કાલા (30), તેની બહેન કૌસર યુસુફ અલી જાફરી ઉર્ફે બુશી (33), દંપતી અમરસિંહ બાવરી (25) અને પૂનમકૌર અમરસિંહ બાવરી (37) તરીકે થઈ હતી. પકડાયેલાં ભાઈ-બહેન ઈરાની ગૅન્ગ, જ્યારે દંપતી શિકલીગર ગૅન્ગ સાથે સંકળાયેલાં છે.

કલ્યાણના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ આરોપીઓની ધરપકડ કરી 29 ગુના ઉકેલ્યા હતા. ઉકેલાયેલા ગુનામાં એક લૂંટનો, 20 કેસ ચેન સ્નેચિંગ, પાંચ વાહનચોરી અને ત્રણ બંધ ઘરોમાં ચોરીના કેસોનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી સોનું, બે વાહન અને રોકડ મળી 36.29 લાખની મતા જપ્ત કરવામાં આવી હોવાનું જાધવે જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ રાબોડી, થાણે નગર, વાગળે એસ્ટેટ, કાપૂરબાવડી, ચિતળસર, કલવા, કોપરી, મુંબ્રા, શાંતિ નગર, શિવાજી નગર, બદલાપુર ઈસ્ટ-વેસ્ટ, અંબરનાથ, કોલસેવાડી, બાજારપેઠ, ટિળક નગર, ડોમ્બિવલી, હિલલાઈન, માનપાડા, કામોઠે અને કળંબોલી પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુના ઉકેલાયા હતા. (પીટીઆઈ)

આપણ વાંચો : ગોવંડીના ઘરમાંથી 6.15 કરોડનું એમડી જપ્ત: યુવકની ધરપકડ

Back to top button