રામમંદિર પર હુમલાની માહિતીથી પોલીસ ઍલર્ટ
મુંબઈ: આગ્રાના તોફાની તત્ત્વો રામમંદિર પર હુમલો કરવાના હોવાની માહિતી મુંબઈ પોલીસને ફોન પર મળતાં તંત્ર સાબદું થઈ ગયું હતું. આ બાબતે બધી યંત્રણાને અને આગ્રા પોલીસને પણ માહિતી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ
શનિવારની મધરાતે મુંબઈ પોલીસના ક્ધટ્રોલ રૂમમાં યુવકે ફોન કરી હુમલાની માહિતી આપી હતી. ફોન કરનારા યુવકે પોતાની ઓળખ સોહમ પાંડે તરીકે આપી હતી. આગ્રામાં રહેતો સોહેલ કુરેશી નામનો શખસ રામમંદિર પર હુમલાનો યોજના બનાવી રહ્યો હોવાનું સાંભળવા મળ્યું છે, એવું પાંડેએ પોલીસને કહ્યું હતું.
પાંડેના દાવા મુજબ એક્સપ્રેસ ટ્રેનમાં આગ્રાથી મુંબઈ પ્રવાસ દરમિયાન આ માહિતી તેને મળી હતી. આશ્ર્ચર્યજનક બાબત એટલે ફોન કરનારા યુવકે કુરેશી અને આરપીએફના એક કર્મચારીનો મોબાઈલ નંબર પણ પોલીસને આપ્યો હતો. ફોન પર મળેલી માહિતીને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી.