કલ્યાણ રેલવે સ્ટેશન પરથી ૫૪ ડિટોનેટર્સ ભરેલાં બે બૉક્સ મળતાં પોલીસ ઍલર્ટ
થાણે: પ્રવાસીઓની ભીડવાળા કલ્યાણ રેલવે સ્ટેશન પરથી ૫૪ ડિટોનેટર્સ ભરેલાં બે બૉક્સ નધણિયાતી હાલતમાં મળી આવતાં પોલીસ ઍલર્ટ થઈ ગઈ હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) પ્લૅટફોર્મ પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે ડિટોનેટર્સ મૂકી જનારા શકમંદની શોધ ચલાવી રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ બુધવારે કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લૅટફોર્મ નંબર-૧ પરથી પોલીસને બે બૉક્સ મળી આવ્યાં હતાં. આ સ્ટેશન પર પ્રવાસીઓની સતત ભીડ રહેતી હોવાથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
ડૉગ સ્ક્વોડ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બન્ને બૉક્સમાં ૫૪ ડિટોનેટર્સ હોવાનું જણાયું હતું.
ડિટોનેટર્સની માહિતી મળતાં જ જીઆરપીના વરિષ્ઠ અધિકારીઓ, થાણે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસ ડિટોનેટર્સ પ્લૅટફોર્મ પર છોડી જનારાને શોધવા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. પોલીસનું માનવું છે કે થાણે જિલ્લામાં મોટા ભાગે તળાવમાંથી માછલાં પકડવા અને પથ્થરની ખાણમાં બ્લાસ્ટ કરવા ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણોસર ડિટોનેટર્સ કલ્યાણમાં લાવવામાં આવ્યાં હતાં કે અન્ય કોઈ કારણસર તેની તપાસ પોલીસ કરી રહી છે. ઉ