વિદેશમાં નોકરીની લાલચે યુવાનો પાસેથી નાણાં પડાવનારી ઑફિસ પર પોલીસની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશમાં નોકરીની લાલચે યુવાનોને છેતરી નાણાં પડાવવા માટે ખોલવામાં આવેલી ઑફિસ પર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ય યુનિટ-ના અધિકારીઓએ કાર્યવાહી કરી પકડી પાડેલા આરોપીની ઓળખ કૃષ્ણ કમલાકાંત ત્રિપાઠી (52) તરીકે થઈ હતી. કોર્ટે તેને 3 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
અંધેરી પૂર્વમાં સુમિત બિઝનેસ બૅના નવમા માળે આવેલી ઑફિસમાં વિદેશમાં નોકરી માટે જવા ઇચ્છુક યુવાનોને છેતરવામાં આવતા હોવાની માહિતી પોલીસને મળી હતી. વિદેશમાં નોકરીને બહાને બેરોજગાર યુવાનો પાસેથી મોટી રકમ પડાવવામાં આવતી હતી. પછી તેમને બનાવટી વર્ક પરમિટ લેટર આપવામાં આવતા હતા, એવું તપાસમાં જણાયું હતું.
વિદેશમાં નોકરી ન મળતાં યુવાનો દ્વારા તપાસ કરવામાં આવતાં વર્ક પરમિટ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે શુક્રવારે અંધેરીની ઑફિસ પર કાર્યવાહી કરી હતી. ઑફિસમાંથી વિવિધ કંપનીનાં પંચાવન સિમ કાર્ડ, આઠ લૅપટોપ, એક કમ્પ્યુટર, બે મોબાઈલ ફોન, બે બનાવટી સ્ટેમ્પ, 1.22 લાખની રોકડ હસ્તગત કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.