અભિષેક ઘોસાળકરની હત્યાથી પોલીસ ઍક્શન મોડમાં
શસ્ત્રોની નોંધણી ન કરાવનારા વધુ ત્રણ જણ કુર્લામાં ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની બોરીવલીમાં ગોળી મારી હત્યા કરવામાં આવ્યા પછી સફાળી જાગેલી ક્રાઈમ બ્રાન્ચ મહારાષ્ટ્રમાં શસ્ત્રોની નોંધણી ન કરાવનારાઓ સામે સખત પગલાં લઈ રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશથી શસ્ત્રનું લાઈસન્સ લીધા પછી મુંબઈમાં નોંધણી કરાવ્યા વિના જ તેનો કથિત રીતે ઉપયોગ કરનારા ત્રણ જણને કુર્લામાં પકડી પાડ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-6ના અધિકારીઓએ પકડી પાડેલા ત્રણેયની ઓળખ અનિલકુમાર વિજય નારાયણ મિશ્રા (53), રાજુકમાર લાલતા સિંહ (52) અને દેવનારાયણ હરિરામ જૈસ્વાલ (48) તરીકે થઈ હતી. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. ત્રણેય વિરુદ્ધ નેહરુ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફેસબુક લાઈવ દરમિયાન મોરિસ નોરોન્હાએ પોતાના બૉડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની પિસ્તોલમાંથી ગોળી મારી અભિષેકની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હતી. મિશ્રાએ પિસ્તોલનું લાઈસન્સ ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી મેળવ્યું હતું અને મુંબઈ પોલીસ પાસે તેની નોંધણી કરાવી નહોતી. ઉપરાંત, મિશ્રાએ તેની પિસ્તોલ મોરિસને સોંપી હોવાનું તપાસમાં સામે આવતાં આર્મ્સ ઍક્ટ હેઠળ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચ શસ્ત્રોનાં લાઈસન્સ ધરાવનારી વ્યક્તિઓની તપાસ કરી રહી છે. તેમનાં શસ્ત્રોનાં લાઈસન્સની ચકાસણી કરવામાં આવી રહી છે. જૉઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) લખમી ગૌતમે તે સમયે જણાવ્યું હતું કે બિલ્ડરો, રાજકારણીઓ વગેરેના રક્ષણ માટે તહેનાત સલામતી કર્મચારીઓ અને ખાનગી બૉડીગાર્ડ્સનાં શસ્ત્રનાં લાઈસન્સની હાલમાં ચકાસણી કરવામાં આવી રહી છે.
દરમિયાન કુર્લા પૂર્વમાં નેહરુ નગર ખાતે આવનારા ત્રણ બૉડીગાર્ડ પાસે લાઈસન્સવાળી પિસ્તોલ છે અને તેમણે મુંબઈ પોલીસ પાસે તેની નોંધણી કરાવી ન હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે ત્રણેયને તાબામાં લઈ તેમની પાસેનાં શસ્ત્રોનાં લાઈસન્સની તપાસ કરી હતી. બૉડીગાર્ડ તરીકે કામ કરનારા ત્રણેયે પોતાની સુરક્ષાનું કારણ રજૂ કરી ઉત્તર પ્રદેશમાંથી લાઈસન્સ પ્રાપ્ત કર્યાં હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસ ત્રણેયની વધુ પૂછપરછ કરી રહી છે.