દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે સાત કરોડના ખર્ચે ભાડેથી લેવાશે પોકલેન મશીન | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે સાત કરોડના ખર્ચે ભાડેથી લેવાશે પોકલેન મશીન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં રહેલા કચરા પર પ્રક્રિયા કરીને વીજળીનું ઉત્પાદન કરવાની સાથે જ કચરાનો નિકાલ કરીને જમીન પુન:પ્રાપ્ત કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેથી હવે કચરાના બની ગયેલા ડુંગરને સપાટ કરવા માટે પોકલેન મશીનની જરૂરત પડશે નહીં. એ છતા મુંબઈ મહાનગરપાલિકાએ લગભગ સાત કરોડ રૂપિયાના ખર્ચે પોકલન મશીનની સેવા ભાડા પર લેવાનો નિર્ણય લીધો છે, તે માટે કૉન્ટ્રેક્ટ પણ આપી દેવામાં આવ્યો છે.

દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ લગભગ ૧૨૦ હેકટરમાં ફેલાયેલું અને મુંબઈ મહાનગર પાલિકાનું સૌથી મોટું ડમ્પિંગ ગ્રાઉન્ડ છે. કચરો સમાવવાની તેની ક્ષમતા પૂરી થઈ ગઈ છે. છતાં હજી થોડા માત્રામાં કચરો અને કાટમાળ અહીં નાખવામાં આવી રહ્યો છે. હાલ અહીં પોકલેન મશીનની ડમ્પિંગ ગ્રાઉન્ડમાં રહેલા કચરા તથા ભંગાર સામાનને હટાવવા જેવા કામ કરવામાં આવે છે. પોકલન મશીનની સેવા ૨૦૧૬ની સાલથી મોનિટરીંગ સમિતીના માર્ગદર્શન મુજબ કરવામાં આવે છે.

બે શિફ્ટમાં પોકલેન મશીનથી કચરાના ઢગલાને સપાટ કરવાનું અને કચરાના સ્થળાંતરનું કામ કરવામાં આવે છે. હવે જોકે અહીં કચરામાંથી વીજળીનું ઉત્પાદન તથા કચરાનો નિકાલ લાવીને જમીનનો પુન:ઉપયોગ કરવાના કામ માટેની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાથી આગામી દિવસોમાં પોકલેન મશીનની આવશ્યકતા રહેશે નહીં. છતાં પાલિકા દ્વારા સાત કરોડ રૂપિયા પોકલેન મશીનની સેવા માટે ખર્ચવાની છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે અગાઉના કૉન્ટ્રેક્ટરનો કૉન્ટ્રેક્ટ ૧૦ ઑગસ્ટ, ૨૦૨૫ના પૂરો થઈ ગયો છે. તેથી નવેસરથી એક વર્ષ માટે કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. વીજળી ઉત્પાદન અને કચરાનો નિકાલ કરવાનો પ્રોજેક્ટ અમલમાં આવવામાં થોડો સમય લાગવાનો છે, ત્યાં સુધી પોકલેન મશીનની મદદથી અહીં કચરાને હટાવવાનું કામ ચાલુ રાખવામાં આવશે. ઓક્ટોબરથી મેમાં દરમ્યાન કચરો કોહવાઈને તેમાંથી નિર્માણ થનારા જ્વલનશીલ વાયુને કારણે આગ લાગવાનું સામાન્ય હોય છે. તેથી આગ બુઝાવવા માટે પોકલેનની મદદથી કચરો હટાવીને તેના પર પાણી નાખવાનું કામ કરવામાં આવતું હોય છે. ડમ્પિંગ ગ્રાઉન્ડમાં રહેલા નાળાની સફાઈ કરવાનું અને રસ્તા પર ખાડા પૂરવા જેવા કામ પોકલેન મશીનથી કરવામાં આવતા હોય છે. તેથી પોકલેન મશીન ભાડા પર લેવામાં આવવાના છે.

આ પણ વાંચો…હૈદરાબાદની કંપની મુંબઈના ડમ્પિંગ ગ્રાઉન્ડનો કચરો સાફ કરશે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button