આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

PM મોદી આજે મુંબઈની મુલાકાતે, વિકાસ કાર્યોની ભેટ આપશે, અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપશે?

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 13 જુલાઈ શનિવારના રોજ મુંબઈની મુલાકાત (PM Modi’s Mumbai Visit) લેશે, મુલાકાત દરમિયાન તેઓ મુંબઈને મહત્વના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડા પ્રધાન મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આજે પ્રથમ વખત મુંબઈની મુલાકાત લેશે.

વડા પ્રધાન મોદી ગોરેગાંવમાં NESCO એક્ઝિબિશન સેન્ટર ખાતે એક કાર્યક્રમમાં ₹29,400 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. નેસ્કો એક્ઝિબિશન સેન્ટર બાદ વડા પ્રધાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ(BKC)માં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી(INS) સચિવાલયની મુલાકાત લેશે.

વડા પ્રધાન મોદીની મુંબઈ મુલાકાત દરમિયાન રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય રિઝર્વ્ડ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન વડા પ્રધાન મોદી અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શન(Anant-Radhika wedding reception)માં શામેલ થઇ શકે છે.

મુંબઈ મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવા પ્લેટફોર્મ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ 10 અને 11નું વિસ્તરણને રાષ્ટ્રને સમર્પિત કરશે.

વડા પ્રધાનની મુંબઈ મુલાકાતનું શેડ્યુલ:

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈના રોજ સાંજે 5:30 વાગ્યે ગોરેગાંવમાં NESCO એક્ઝિબિશન સેન્ટર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ મુંબઈમાં ટ્રાન્સપોર્ટેશન કનેક્ટિવિટી સંબંધિત વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન રેલ્વે, રોડ અને બંદરોના વિકાસને લગતી યોજનાઓનું લોકાર્પણ કરશે. તેઓ આજે મુંબઈમાં કૌશલ્યવર્ધન માટે મુખ્ય મંત્રી યુવા કાર્ય શિક્ષણ યોજના પણ શરૂઆત કરાવશે.

NESCO એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી આજે સાંજે 7 વાગ્યે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી(INS) સચિવાલયની મુલાકાત લેશે અને નવા INS ટાવરનું ઉદ્ઘાટન કરશે. આ ટાવર INS પર કામ કરતા કર્મચારીઓ માટે નવી ઓફિસ સ્પેસ તરીકે કામ કરશે, જે મુંબઈમાં અખબારના નેટવર્ક માટે કેન્દ્રીય હબ તરીકે કામ કરે છે.

બધા કાર્યક્રમોમાં સામેલ થશે પછી 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય રિઝર્વ્ડ રાખવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન વડા પ્રધાન મોદી અનંત અને રાધિકાના રિસેપ્શનમાં જઈ શકે છે.

વડા પ્રધાન આજે આ મહત્વના પ્રોજેક્ટ આજે લોન્ચ કરશે:
તેમની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદી થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટ(Thane-Borivali tunnel)નો શિલાન્યાસ કરશે, જેની અંદાજીત કિંમત ₹16,600 કરોડ છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની નીચેથી પસાર થતી ટ્યુબ ટનલ બોરીવલી ખાતેના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને થાણેના ઘોડબંદર રોડ વચ્ચે સીધો કનેક્ટિવિટી પૂરી પાડશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 11.8 કિલોમીટર લાંબો બોરીવલી થાણે લિંક રોડ થાણેથી બોરીવલી સુધીની મુસાફરીમાં 12 કિલોમીટરનો ઘટાડો કરશે અને મુસાફરીના સમયમાં એક કલાક બચાવશે.

વડા પ્રધાન મોદી ગોરેગાંવ મુલુંડ લિંક રોડ (GMLR) પ્રોજેક્ટ પણ લોન્ચ કરશે, જેની કિંમત ₹6,300 કરોડથી વધુ છે. તે ગોરેગાંવ ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને મુલુંડ ખાતે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડશે. આ પ્રોજેક્ટથી મુસાફરીનો વર્તમાન સમય 75 મિનિટથી ઘટીને 25 મિનિટ પર લાવશે.

વડા પ્રધાન આજે નવી મુંબઈમાં કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટ અને ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ પ્રોજેક્ટની શરૂઆત કરાવશે. કલ્યાણ યાર્ડનું પુનઃનિર્માણ મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં અત્યંત ભીડભાડવાળા નેટવર્ક પર ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેન ટ્રાફિકને અલગ કરવામાં મદદ કરશે, જે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરશે.

18 થી 30 વર્ષની વયના યુવાનોને કૌશલ્ય વૃદ્ધિની તકો પૂરી પાડવાના હેતુથી વડા પ્રધાન મોદી ₹5,600 કરોડના ખર્ચે મુખ્યમંત્રી યુવા કાર્ય શિક્ષણ યોજના પણ શરૂ કરાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button