PM Modi શનિવારે થાણેની મુલાકાતેઃ ટ્રાફિક પોલીસે જારી કરી એડવાઈઝરી
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઓક્ટોબરે થાણેની મુલાકાતે છે અને એ માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા સામાન્ય લોકો માટે એડ્વાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે. વડા પ્રધાન મોદી ‘લાડકી બહેન’ યોજના માટે કસારવડવલી ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજર રહેશે. એ માટે ટ્રાફિકના નિયમોમાં રસ્તાની અવરજવરમાં લગાવાયેલી રોક વગેરે બાબતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
થાણે પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલા ટ્વિટર) પર આ સૂચના જાહેર કરી હતી. વડા પ્રધાન મોદીની મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોઇ આ બાબતે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે.
વડા પ્રધાન મોદી થાણેની મુલાકાતે આવે ત્યારે તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ હાજર રહેશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા વડા પ્રધાન મોદીની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહાયુતિમાં સીટ શેરિંગ પર સમજૂતિ થઇ, ટૂંક સમયમાં થશે જાહેરાત…
1) થાણે સ્ટેશનથી ઘોડબંદર રોડ સુધી વાહનો પાર્ક નહીં કરી શકાય.
2) ડી-માર્ટથી ટાઇટન હૉસ્પિટલ સુધી વાહનો પાર્ક નહીં કરી શકાય.
3) ઓવાળાથી વાઘબીળ નાકા સુધી વાહનો પાર્ક નહીં કરી શકાય.
4) ઉક્ત તમામ રોડ પર વન-વે રાખવામાં આવશે.
5) ટાઇટન હૉસ્પિટલથી ડી-માર્ટ સુધી સર્વિસ રોડમાં કોઇ વાહનોને પ્રવેશ નહીં અપાય. ટાઇટન હૉસ્પિટલ ખાતે બધા જ વાહનોને રોકી દેવાશે.
6) ટાઇટન હૉસ્પિટલથી ડી-માર્ટ જવા માટે નાગરિકો ઓવાળા સિગ્નલથી કસારવડવલી, આનંદ નગર, વાઘબીળ રોડનો ઉપયોગ કરી શકાશે.
7) વાઘબીળ નાકાથી આનંદ નગર અને કસારવડવલી જવા માટે લોકો ટીજેએસબી ચોક અને ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક રસ્તાનો ઉપયોગ કરી શકશે.
8) વાઘબીળ નાકાથી ઓવાળા સુધી જવા માટે લોકો વાઘબીળ બ્રિજ નીચે આવેલા રોડનો ઉપયોગ કરી શકશે.