ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ સેવાની ભાવનાથી પ્રેરિત છે, મારી સરકાર લોકો માટે નિ:સ્વાર્થપણે કામ કરી રહી છે: મોદી
નવી મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ સેવાની ભાવનામાં ઊંડે સુધી મૂળ ધરાવે છે અને તેમની સરકાર એક દાયકાથી વધુ સમયથી લોકોના કલ્યાણ માટે નિ:સ્વાર્થપણે કામ કરી રહી છે.
નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ) મંદિરનું ઉદ્ઘાટન કર્યા પછી એક સભાને સંબોધતા ગયા વર્ષના જૂન મહિનામાં ત્રીજી વખત પદ સંભાળનારા મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે શૌચાલયો, ગરીબો માટે ઘર બનાવવા અને નાગરિકોને એલપીજીના જોડાણ આપવા અને તબીબી વીમો આપવા જેવા અનેક કલ્યાણકારી પગલાં શરૂ કર્યા છે.
આ પણ વાંચો: સાધુ – સંસ્કૃતિ – સમાજનો ત્રિવેણી સંગમ
‘સામાજિક સેવાની આ ભાવના વાસ્તવિક ધર્મનિરપેક્ષતાનું પ્રતીક છે. આપણી આધ્યાત્મિક સંસ્કૃતિનો મુખ્ય પાયો સેવાની ભાવના છે. ભારત ફક્ત ભૌગોલિક સીમાઓથી ઘેરાયેલો ભૂમિનો ટુકડો નથી. તે એક જીવંત ભૂમિ છે, જીવંત સંસ્કૃતિ છે. જ્ઞાન એ આધ્યાત્મિકતા છે અને જો આપણે ભારતને સમજવા માગતા હોઈએ, તો આપણે આધ્યાત્મિકતાને આત્મસાત કરવી પડશે,’ એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભગવદ્ગીતાના ઉપદેશો પર સ્થાપિત વૈશ્ર્વિક ભક્તિ ચળવળ ઇસ્કોનના અનુયાયીઓ આખી દુનિયામાં ભગવાન કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.
મોદીએ કહ્યું હતું કે ઇસ્કોન ચળવળ દ્વારા પ્રસારિત સેવાની ભાવના યુવાનોને પ્રેરણા આપે છે અને તેમને એક સંવેદનશીલ સમાજ બનાવવામાં મદદ કરે છે જે માનવ મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો: ટ્રાવેલ પ્લસ : કલા-અધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર
‘તે ભારતમાં લોકોને સ્વસ્થ થવા અને તેમના સુખાકારીની સંભાળ રાખવા પ્રેરણા આપે છે,’ એમ વડા પ્રધાને કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, સાચી સેવા નિ:સ્વાર્થ માનવ પ્રયાસ દ્વારા થાય છે જ્યાં અન્ય કોઈ બાબતમાં રસ હોતો નથી અને ભારતને ‘અસાધારણ, અદ્ભૂત ભૂમિ’ તરીકે વર્ણવ્યું હતું.
તેમણે નોંધ્યું હતું કે પ્રભૂપાદ સ્વામીએ વેદો, વેદાંત અને ગીતાનું મહત્ત્વ ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે ફેલાવ્યું હતું અને સામાન્ય નાગરિકોમાં જાગૃતિ ફેલાવી હતી. 70 વર્ષની વયે જ્યારે મોટા ભાગના લોકો પોતાની ફરજ પૂરી થઈ હોવાનું માને એ સમયે પ્રભૂપાદ સ્વામીએ ઈસ્કોન ચળવળની સ્થાપના કરી હતી અને આખી દુનિયાનો પ્રવાસ ખેડ્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકો આખી દુનિયાને ભૌતિકવાદની દૃષ્ટિએ જૂએ છે તેઓ ભારતને વિવિધ ભાષા અને પ્રાંતોનું જૂથ તરીકે જુએ છે, પરંતુ જ્યારે તેમનો આત્મા સાંસ્કૃતિક ચૈતન્ય સાથે જોડાય છે ત્યારે તેઓ વાસ્તવિક ભારતને જોઈ શકે છે.