મુંબઈમાં પ્લાસ્ટિક કચરો ફરી બન્યો વિલન: વિક્રોલી રેલવે બ્રિજ પર ભરાયેલા પાણી બાદ BMC લેશે આ પગલા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં પ્લાસ્ટિક કચરો ફરી બન્યો વિલન: વિક્રોલી રેલવે બ્રિજ પર ભરાયેલા પાણી બાદ BMC લેશે આ પગલા

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ: મુંબઈમાં મંગળવારે ભારે વરસાદ દરમિયાન તાજેતરમાં ખોલવામાં આવેલા વિક્રોલી રેલ ઓવરબ્રિજ (ROB) પર મોટા પ્રમાણમાં પાણી ભરાતા ટીકા નો સામનો કરનારી મુંબઈ મહાનગરપાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટની ટીમે ગુરુવારે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. એ દરમ્યાન તેમને પ્લાસ્ટિક કચરો પાણીના ઇનલેટ્સમાં ભરાઈ ગયા હોવાને કારણે પાણી ભરાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. ફરીથી આવી રીતે વરસાદમાં પાણી ભરાતા અટકાવવા માટે પાલિકાએ મુખ્ય માળખામાં ફેરફાર કર્યા વિના એપ્રોચ દિવાલ સાથે લેટરલ ઇનલેટ્સ ઉમેરવાની અને સ્લિપ રોડ પર ડ્રેનેજ નેટવર્ક સ્થાપિત કરવાની યોજના બનાવી છે.

પશ્ચિમમાં એલબીએસ (LBS) રોડને પૂર્વમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડતો ૬૧૫ મીટરનો વિક્રોલી બ્રિજને છેલ્લાં ૧૫ વર્ષથી બાંધવાની યોજના હાથ ધરવામા આવી હતી, જેનો વર્ક ઓર્ડર ૨૦૧૮માં બહાર પાડવામાં આવ્યો હતો અને બ્રિજનું કામ ૨૦૧૫ માં પૂરું કરવામાં આવ્યું હતું. ટુ વે ના આ પુલમાં ફક્ત ત્રણ લેન છે, જેમાં સેન્ટ્રલ ડિવાઇડર કે ફૂટપાથ નથી.

મંગળવારના ભારે વરસાદ દરમિયાન, એલબીએસ (LBS) માર્ગ તરફના પશ્ચિમ બાજુના ફ્લાયઓવરનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે બ્રીજ (ROB)ની ડિઝાઇન અંગે ચિંતા વ્યકત થઈ હતી.

પાલિકાના અધિકારીઓએ સ્વીકાર્યું કે એલબીએસ માર્ગ અને વિક્રોલી સ્ટેશનના છેડા વચ્ચેના ઊંચાઈના અંતરને કારણે વરસાદી પાણી નીચે તરફ વહે છે અને પુલના નીચેના છેડે એકઠા થાય છે. જોકે, તેમણે પાણી ભરાવા માટે નાગરિકો દ્વારા આડેધડ કચરો ફેંકવાનું મુખ્ય કારણ ગણાવ્યું, અને નોંધ્યું હતું કે પ્લાસ્ટિક અને અન્ય કચરાના કારણે ડ્રેનેજ ઇનલેટ્સ બંધ થઈ ગયા છે અને પાણીના યોગ્ય પ્રવાહમાં અવરોધ ઊભો થયો છે.

પાલિકા અધિકારીએ જણાવ્યું હતું કે, “આવી ઘટનાઓ ફરીથી ન થાય તે માટે, અમે પુલની એપ્રોચ દિવાલો સાથે વધારાના લેટરલ વોટર ઇનલેટ્સ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ.” “આનાથી ખાતરી થશે કે એક કે બે ઇનલેટ્સ બ્લોક થઈ ગયા હોવા છતાં, વરસાદી પાણી વૈકલ્પિક આઉટલેટ્સ દ્વારા પણ નીકળી શકે છે.

અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે મુખ્ય માળખામાં ફેરફાર કર્યા વિના આ ફેરફારો કરવામાં આવશે. લાંબા ગાળે, બીએમસી પાણી ભરાવા સામે સતત રક્ષણ સુનિશ્ચિત કરવા માટે સ્લિપ રોડ સાથે યોગ્ય ડ્રેનેજ નેટવર્ક લાગુ કરવાની પણ યોજના ધરાવે છે.

આ પણ વાંચો…પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતઃ ગુજરાતમાં 14,500 ટન પ્લાસ્ટિક કચરો કર્યો એકત્ર

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button