ગોખલે પુલના પહેલા ગર્ડર લોન્ચિંગનું કામ સફળ
૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી ટ્રાફિક માટે એક લેન ખુલ્લી મુકવાનું આયોજન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલ માટે ઓપન વેબ ગર્ડર નાખવાનું પહેલા તબક્કાનું અંતિમ લોન્ચિંગ કામ સફળ રહ્યું હતું. ૯૦ મીટરનો ગર્ડર રેલવે ટ્રેક ઉપર નાખવા માટે શનિવાર મધરાતથી રવિવાર સવાર સુધીનો રેલવે બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો. ગોખલે પુલની એક લેન ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી વાહનવ્યવહાર માટે ખુલ્લી મૂકવાનું પાલિકાનું આયોજન છે.
ઓપન વેબ ગર્ડર નાખવા માટેની ટ્રાયલ રન સફળ રહ્યા બાદ શનિવારે ગોખલે પુલ માટે ટેક્નિકલી અત્યંત પડકારજનક કહેવાય એવું કામ પાલિકાએ હાથ ધર્યું હતું. રેલવેએ આપેલા ટ્રાફિક અને પાવર બ્લોકમાં રેલવે પાટા પર પહેલા તબક્કામાં નિયોજીત ૭૫ ટકા અંતર કાપીને ગર્ડર નાખવાનું કામ સફળ રહ્યું હતું. આ મહત્ત્વનો તબક્કો પાર પડ્યા બાદ હવે બાકીના રહેલા અંતર પર ગર્ડર નાખવાનું કામ વધુ સરળ રહેશે.
પાલિકાના પુલ ખાતા ચીફ એન્જિનિયર વિવેક કલ્યાણકરના જણાવ્યા મુજબ આગામી પખવાડિયામાં આ ગર્ડર ૧૪ મીટર ઉત્તર તરફ ખસેડવામાં આવશે અને બાદમાં તે ૭.૫ મીટર નીચે લાવવામાં આવશે. કોઈ પુલના કામમાં ૭.૫ મીટર ઊંચાઈ પરથી ગર્ડર અમુક ઊંચાઈ સુધી નીચે લાવવો એ ભારતનો પહેલો પ્રોજેક્ટ છે.
રેલવે પરિસરમાં ૭.૫ મીટર ઊંચાઈ પરથી પૂલ નીચે લાવવા માટે પશ્ર્ચિમ રેલવએ ૧૧ દિવસનો બ્લોક મંજૂર કર્યો છે. પશ્ચિમ રેલવેના વિશેષ બ્લોમાં દરરોજ રાતના સમયમાં ત્રણ કલાકનો સરેરાશ ૫૫૦ મિલમીટર જેટલા પ્રમાણમાં ગર્ડર નીચે લાવવાનું શક્ય રહેશે.
પહેલા તબક્કામાં રેલવેની જમીન પર નાખવામાં આવેલા ગર્ડરનું અંદાજે ૧,૨૦૦ મેટ્રિક ટન વજન છે. તો લંબાઈ ૯૦ મીટર હોઈ તેની પહોળાઈ ૧૩.૫ મીટર છે. ગર્ડરના છૂટ્ટા ભાગને જોડવાનું પૂરું થયા બાદ રેલવે જમીન પર ગર્ડર નાખવા પહેલા પહેલી ડિસેમ્બરે ટ્રાયલ પણ લેવામાં આવી હતી.
અંધેરીનો ગોખલે પૂલ જોખમી જાહેર કર્યા બાદ નવેમ્બર, ૨૦૨૨થી બંધ કરવામાં આવ્યો છે. બ્રિજના રેલવે ભાગને તોડી પાડવાનું કામ ડિસેમ્બર, ૨૦૨૨માં ચાલુ કરવામાં આવ્યું હતું અનેતેને ૨૮ માર્ચ, ૨૦૨૩ના પાલિકાને પ્રોજેક્ટની જગ્યા સોંપવામાં હતી. પાલિકાએ પહેલી એપ્રિલ, ૨૦૨૩થી પુન: નિર્માણનું કામ ચાલુ કર્યું હતું. છતાં ૩૧ મે સુધીમાં એક લેન ખુલ્લી મૂકવાનું વચન પાળવામાં પાલિકા નિષ્ફળ ગઈ હતી. ગોખલે પુલના કામમાં ખાસ્સો એવો વિલંબ થયો હતો. હવે આખો બ્રિજ મે, ૨૦૨૪ સુધીમાં ખુલ્લો મુકવામાં આવશે. તો એ પહેલા ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના તેની એક લેન ખુલ્લી મૂકવામાં આવવાની છે. હાલ પાલિકા દ્વારા પાલિકાની હદમાં પુલના એપ્રોચ રોડનુંકામ ૮૦ ટકા પૂરું થઈ ગયું છે. અંદાજે આ પુલની કિંમત ૯૦ કરોડ રૂપિયા છે. ગોખલે પુલ માટેના ગર્ડરના ભાગનું (સ્ટ્રક્ચરલ મેંબર્સ) ફેબ્રિકેશન અંબાલામાં કારખાનામાં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મુંબઈ લાવીને તેને જોડવામાં આવ્યા હતા.