આમચી મુંબઈ

મરાઠીમાં પાટિયાં: મંગળવારથી કડક કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈની હદમાં આવેલી દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત છે. મંગળવારથી જે દુકાનો નામ મરાઠીમાં નહીં હોય તેમની સામે ૨૮ નવેમ્બર, ૨૦૨૩થી પાલિકા દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવવાની છે.

દુકાનોના નામ મરાઠી દેવનાગરી લિપીમાં લખવા ફરજિયાત છે. પાલિકા કમિશનર તથા પ્રશાસક ઈકબાલસિંહ ચહલે તાજેતરમાં બેઠક લઈને સુપ્રીમ કોર્ટના આદેશનું સખતાઈપૂર્વક પાલન કરવાનો આદેશ આપ્યો હતો. કાર્યવાહી કરવા માટે ૨૪ વોર્ડમાં શોપ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ વિભાગના અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે અને તેમને કાર્યવાહી અધિકાર આપવામાં આવ્યો છે. તેઓ મંગળવારથી કાર્યવાહી ચાલુ કરવાના છે, જે હેઠળ હવે દુકાનદારોને નોટિસ નહીં પણ સુધી કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. જેના નામના બોર્ડ મરાઠીમાં નહીં હોય તેને પ્રતિ કર્મચારી બે હજાર રૂપિયાદનો દંડ ફટકારવામાં આવવાનો છે.

આ કાર્યવાહી દરમિયાન જે દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટોએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિયમોનું પાલન નહીં કરીને મરાઠી દેવનાગરી લિપીમાં બોર્ડ પર દુકાનનું નામ નહીં લખ્યું હોય તેમની સામે કાયદેસર રીતે પગલાં લેવાશે.

વેપારીઓ દ્વારા કરવામાં આવેલી રીટ અરજી પર ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના થયેલી સુનાવણી દરમિયાન અરજદારોને દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠી દેવનાગરી લિપીમાં ચોખ્ખા શબ્દોમાં વંચાય તે રીતે લખવા માટે બે મહિનાની મુદત આપવામાં આવી હતી. આ મુદત શનિવાર, ૨૫ નવેમ્બર, ૨૦૨૩ના પૂરી થઈ ગઈ છે, તેથી હવે કોર્ટના આદેશ મુજબ મંગળવારથી કાર્યવાહી કરવામાં આવવાની છે.
નિયમ શું છે?

પાલિકાના શોપ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક વોર્ડમાં તપાસ કરવામાં આવશે. દારૂનું વેચાણ કરનારી દુકાનો મહાન વ્યક્તિઓ નામ અથવા કિલ્લાના નામ આપી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય છે કે નહીં તે તપાસવા ૭૫ ઈન્સ્પેકટર નીમવામાં આવ્યા છે. મરાઠીમાં નામ લખવા તૈયાર નહીં હોય તેની સામે કોર્ટમાં કેસ દાખલ કરાશે. કોર્ટની કાર્યવાહીનો સામનો ના કરવો હોય તો દંડ ભરવો પડશે.

તમામ માટે નિયમ ફરજિયાત

દુકાનોના નામ મરાઠી-દેવનાગરી લિપીમાં લખવાનો નિર્ણય માર્ચ, ૨૦૨૨માં વિધાનસભાના અધિવેશનમાં લેવામાં આવ્યો હતો. તે પહેલા ૨૦૧૮ના નિર્ણય મુજબ દસ અથવા તેનાથી વધુ કર્મચારી હોય તેવી દુકાનો પર મરાઠીમાં નામનું બોર્ડ લખવું ફરજિયાત હતું. નવા નિયમ અનુસાર કર્મચારીની સંખ્યા કેટલી પણ હોય છતાં નામનું બોર્ડ મરાઠીમાં લખવું ફરજિયાત રહેશે.

પાંચ લાખ દુકાનોને નિયમ લાગુ પડશે
નોંધનીય છે કે મુંબઈમાં લગભગ પાંચ લાખ દુકાનો હોઈ તેમાંથી લગભગ બે લાખ દુકાનોના નામના બોર્ડ મરાઠીમાં નથી. ગયા વર્ષે કોર્ટનો સ્ટે આવે ત્યાં સુધી પાલિકાએ ૧૦ ઑક્ટોબર, ૨૦૨૨થી ચાર નવેમ્બર, ૨૦૨૨ના સમયગાળામાં ૨૮,૬૫૩ દુકાનોની તપાસ કરી હતી. આ તપાસમાં લગભગ ૨૩,૪૩૬ દુકાનોએ નામના બોર્ડ મરાઠીમાં લખ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. તો ૫,૨૧૭ દુકાનોએ મરાઠીમાં બોર્ડ લગાવ્યા હતા, પરંતુ તે નિયમ મુજબ નહોતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button