સાયબર ફ્રોડથી મેળવેલી રકમથી ગોવા ફરવાની યોજના: વિમાનને રોકી પોલીસે યુવકને પકડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાયબર ફ્રોડથી મેળવેલી રકમથી ગર્લફ્રેન્ડને ગોવા ફરવા લઈ જઈ રહેલા યુવકને પોલીસે વિમાન રોકીને તાબામાં લીધો હતો.
મુલુંડ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ગણેશ અશોક ભાલેરાવ (29) તરીકે થઈ હતી. પુણેના ખરાડી વિસ્તારના જૈન એસ્ટેટ ખાતે રહેતા ભાલેરાવ પાસેથી પોલીસે છેતરપિંડીથી મેળવેલા 84 હજાર રૂપિયા હસ્તગત કર્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ મુલુંડમાં રહેતા ફરિયાદીને 9 સપ્ટેમ્બર, 2023ના રોજ ઓએલએક્સ ઍપ પરથી કૉલ કર્યો હતો. તેણે પોતાની ઓળખ રાજેન્દ્ર કોળી તરીકે આપી હતી. આરોપીએ આઈફોન 14 પ્રો મોબાઈલ ફોન વેચવાની તૈયારી દાખવી હતી. સીલપૅક ફોન મુલુંડની એક મોબાઈલ શૉપમાં રાખ્યો હોવાનું જણાવી આરોપીએ ફોન દુકાનમાંથી લઈ લેવાનું કહ્યું હતું. આ માટે તેણે ફરિયાદી પાસેથી 84 હજાર રૂપિયા ઑનલાઈન સ્વીકાર્યા હતા. જોકે બાદમાં સંબંધિત દુકાનમાં આરોપીએ એવો કોઈ ફોન રાખ્યો ન હોવાનું જણાયું હતું.
આ પ્રકરણે મુલુંડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપી પુણે ઍરપોર્ટ પરથી ફ્લાઈટમાં ગોવા જઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક સીઆઈએસએફના જવાનોને ઍલર્ટ કરી ઉડ્ડયન ભરી રહેલા જેટ ઍરવેઝના વિમાનને રોક્યું હતું. વિમાન રોકી પોલીસે આરોપીને તાબામાં લીધો હતો. આરોપી છેતરપિંડીથી મેળવેલી રકમથી ગર્લફ્રેન્ડ સાથે ગોવા ફરવા જઈ રહ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.