એક સાંધે ત્યાં તેર તૂટે અંધેરી બાદ મલાડમાં પાઈપલાઈનમાં ભંગાણ,પાણીપુરવઠાને અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શનિવારે પૂર્વ ઉપનગર સહિત પશ્ર્ચિમ ઉપનગરના અનેક વિસ્તારમાં પાણીના ધાંધિયા જોવા મળ્યા હતા. પહેલાથી અંધેરીમાં પાઈપલાઈનમાં રહેલા લીકેજને કારણે મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં પાણીપુરવઠાને અસર થઈ હતી, તેમાં પડ્યા પર પાટું તેમ શનિવારે મલાડમાં ૭૫૦ મિલિમીટર પાઈપલાઈનમાં લીકેજ થવાથી મલાડ, કાંદીવલીથી લઈને બોરીવલી સુધીના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી.
શુક્રવારે મુંબઈ મેટ્રો પ્રોજેક્ટના ડ્રિલિંગ કામ ચાલુ હતું ત્યારે અંધેરી (પૂર્વ)માં સીપ્ઝ ગેટ નંબર ૩ અને ઈંડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે મેઈન પાઈપલાઈનમાં ગળતર થયું હતું. વેરાવલી જળાશયની ૧૮૦૦ મિ.મિ. પાઈપલાઈનનું સમારકામ શનિવારથી બે ડિસેમ્બરના સવારથી ચાલુ કરવામાં આવ્યું હતું, જે રવિવાર ૩ ડિસેમ્બર સુધી ચાલવાનું છે, તેને કારણે બાંદ્રાથી લઈને ગોરેગામ સુધી અને પૂર્વ ઉપનગરમાં કુર્લાથી ઘાટકોપર અને ભાંડુપમાં શનિવાર રવિવારના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ તો
અમુક જગ્યાએ ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થવાનો છે. આ તકલીફ ઓછી હોય તેમ શનિવારે મલાડ(પશ્ર્ચિમ)માં એસ.વી. રોડ પર ચિંચોલી બંદર, મામલેદાર વાડી, લિબર્ટી ગાર્ડન પાસે સાંજના સમયે ૭૫૦ મિ.મિ. ની પાઈપલાઈમાં ગળતર જોવા મળ્યું હતું. તેને કારણે મલાડ, કાંદિવલી અને બોરીવલી સુધીના અમુક વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થઈ હતી. પાલિકાએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું અને પાણીપૂરવઠો પૂર્વવત કર્યો હતો.