ફોન ટેપિંગ કેસ: આઈપીએસ ઓફિસર રશ્મિ શુક્લા વિરુદ્ધના કેસ હાઈ કોર્ટે રદ કર્યા
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ ઈન્ટેલિજન્સ ઓફિસર રશ્મિ શુકલા સામે કથિત સ્વરૂપે ગેરકાનૂની રીતે ફોન ટેપ કરવાના મામલે દાખલ કરવામાં આવેલી બે એફઆઈઆર બોમ્બે હાઈ કોર્ટે શુક્રવારે રદ કરી હતી. પરિણામે વરિષ્ઠ આઈપીએસ ઓફિસરને રાહત મળી છે. દેવેન્દ્ર ફડણવીસ જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે વિરોધ પક્ષના નેતાઓના ફોન કથિત રૂપે ગેરકાયદે ટેપ કરવા બદલ બે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) – એક પુણેમાં અને એક દક્ષિણ મુંબઈમાં કોલાબા ખાતે-શ્રીમતી શુકલા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેને નેતૃત્વ હેઠળ મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં હતી ત્યારે આ એફઆઈઆર નોંધવામાં આવી હતી. શુક્રવારે શુક્લાના વકીલ મહેશ જેઠમલાણીએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે પુણે એફઆઈઆર સંબંધે પોલીસે સી – સમરી રિપોર્ટ (ખટલો ખરો પણ નથી અને ખોટો પણ નથી) રજૂ કર્યો છે અને શુક્લા વિરુદ્ધ કેસ ચલાવવાની પરવાનગી સરકારે નકારી હોવાથી મુંબઈ કેસ બંધ કરવાની માગણી પોલીસે કરી હતી. ન્યાયમૂર્તિ એ. એસ. ગડકરી અને શર્મિલા દેશમુખની ખંડપીઠે એ અહેવાલ સ્વીકારી બંને એફઆઈઆર રદ કરી હતી. (પીટીઆઈ)ઉ