અકસ્માતમાં મૃત્યુ પામેલા ફાર્મસિસ્ટના પરિવારને 29 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ

થાણે: વર્ષ 2020માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 28 વર્ષના ફાર્મસિસ્ટના પરિવારને 29 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) વીમા કંપની અને ટ્રકના માલિકને આદેશ આપ્યો છે. સભ્ય આર.વી. મોહિતેની અધ્યક્ષતામાં ટ્રિબ્યુનલે મંગળવારે આ આદેશ જારી કર્યો હતો.
સચિન અશોક ગવ્હાણેનાં માતા-પિતાએ અરજીમાં 80 લાખ રૂપિયાના વળતરની માગણી કરી હતી. ટ્રિબ્યુનલે મૃતની આવક, તેના પર આધાર રાખતી વ્યક્તિઓ અને કાનૂની પાત્રતાના આધારે વળતર નક્કી કર્યુેં હતું.
આ પણ વાંચો: માર્ગ અકસ્માત બાદ મૃત્યુ પામેલા શિક્ષકના કુટુંબને 87 લાખ વળતર ચૂકવવાનો આદેશ
1 ઑગસ્ટ, 2020ના રોજ સચિન ગવ્હાણે મોટરસાઇકલ પર કલ્યાણથી નવી મુંબઈના વાશીમાં જઇ રહ્યો હતો ત્યારે શિળફાટા-મ્હાપે માર્ગ પર ટ્રકે તેને અડફેટમાં લીધો હતો. ગંભીર ઇજા પામેલા સચિનનું હોસ્પિટલમાં પહોંચતાં પહેલા મૃત્યુ થયું હતું. પોલીસે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો દાખલ કર્યો હતો.
ટ્રિબ્યુનલે આદેશમાં જણાવ્યું હતું કે ટ્રકે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી હતી. જોકે તેની ગતિ એટલી હતી કે ટ્રક ડ્રાઇવર લગભગ આઠ ફૂટ સુધી વાહનને નિયંત્રિત કરી શક્યો નહીં… ડ્રાઇવર વાહનને બેદરકારીથી હંકારી રહ્યો હતો.
વીમા કંપનીએ માન્ય લાઇસન્સ ન હોવાનું કારણ આપીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા. જોકે ટ્રિબ્યુનલે આ દલીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે વીમા કંપની એ સાબિત કરવામાં નિષ્ફળ ગઇ છે કે ટ્રકનો ડ્રાઇવર અકસ્માત સમયે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો નહોતો.
આ પણ વાંચો: થાણેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસના કુટુંબને 42 લાખ વળતર ચૂકવવાનો આદેશ…
ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે સચિન ગવ્હાણે નવી મુંબઈમાં દવાની દુકાનમાં ફાર્મસિસ્ટ તરીકે કામ કરતો હતો અને દર મહિને 19,300 રૂપિયા કમાતો હતો.
(પીટીઆઇ)