આમચી મુંબઈ

જો તમારા ઘરે પાલતુ જાનવરો છે તો તૈયાર રહેજો મુંબઈગરા, સપ્ટેમ્બરથી શરુ થશે…

મુંબઈ: મુંબઈગરાઓ, જો તમારા ઘરમાં ડોગી, ગાય-ભેંસ કે અન્ય પાલતું જાનવર હોય તો તેમની વસ્તી ગણતરી માટે તૈયાર થઇ જજો. વસ્તી ગણતરીની જેમ જ પ્રશાસન દ્વારા સમયાંતરે ઢોર-પશુ ગણતરી પણ હાથ ધરવામાં આવતી હોય છે. આ જ અભિયાન અંર્તગત મુંબઈમાં પણ સપ્ટેમ્બર મહિનાથી પશુ ગણતરી હાથ ધરવામાં આવશે.

મુંબઈના દરેક ઘરોમાં તેમ જ પશુપાલન કરતી સંસ્થાઓ-સ્વયંસેવી તેમ જ બિનસરકારી સંસ્થાઓ(એનજીઓ-નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન)માં કેટલા પશુઓ આવેલા છે તેની ગણતરી પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવશે.
પશુ ગણતરી માટે મુંબઈ મહાનગરપાલિકા પણ સહાય કરવાની હોઇ પહેલી જ વખત મોબાઇલ મારફત પશુ ગણતરી હાથ ધરવામાં આવશે. શહેરના પ્રત્યેક ચાર હજાર ઘરમાં રહેલા પશુઓની ગણતરી માટે એક પ્રગણક(ગણતરી કરનાર કર્મચારી) તહેનાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 1919-20ની સાલથી દેશમાં સમયાંતરે પશુગણના હાથ ધરવામાં આવે છે અને સામાન્ય રીતે દર પાંચ વર્ષે આ અભિયાન યોજાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મત્સ્યવ્યવસાય, પશુસંવર્ધન અને દુગ્ધવ્યવસાય વિભાગ દ્વારા અત્યાર સુધી 20 વખત પશુગણના હાથ ધરવામાં આવી છે.

આમ કરવાથી પ્રશાસનને જ નહીં, પરંતુ ખેડૂતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને દુગ્ધ ઉદ્યોગથી જોડાયેલા લોકો ઉપરાંત સામાન્ય જનતાને પણ ફાયદો થાય છે. પશુધન માટે ચારો-ખોરાક વગેરે આ ગણતરીના આધારે સસ્તાં કરવામાં આવે છે અને પશુસંવર્ધકોને આપવામાં આવતી વિવિધ સવલતો અને સહાય પણ આ ગણતરીના આધારે અપાય છે. મુંબઈ સહિત આખા દેશમાં પશુગણના હાથ ધરવામાં આવશે.

છેલ્લી પશુગણના 2019માં હાથ ધરવામાં આવી હતી. હાલના આંકડાઓ મુજબ મુંબઈમાં કુલ 38 લાખ ઘરો છે અને પશુગણના માટે કુલ 961 પ્રગણકો અને 93 નિરીક્ષકો છે. એટલે કે ચાર હજાર ઘરમાં પશુગણનાની જવાબદારી એક પ્રગણકના માથે રહેશે, જ્યારે દર દસ પ્રગણકો માટે એક નિરીક્ષક હશે. મોબાઇલ એપ મારફત આ ગણતરી હાથ ધરાવાની હોઇ એ ત્રણ મહિના સુધી ચાલશે. જોકે ઘરમાં પાળેલા શ્વાન અને ભટકતા શ્વાનની સંખ્યા અંગે છેલ્લે 2019માં નહીં, પરંતુ 2014માં ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે મુજબ મુંબઈમાં 90,000 કરતાં વધુ પાળતું અને ભટકતા શ્વાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button