ઘાટકોપર હોર્ડીંગ દુર્ઘટનામાં વધુ એક આંચકાજનક માહિતી
જે પેટ્રોલપંપ પર હોર્ડીંગ પડ્યું તેને ક્લીયરન્સ નહોતું મળ્યું
Mumbai: લગભગ 100 ફૂટનું ગેરકાયદે હોર્ડીંગ તૂટી પડવાના કારણે Ghatkoparમાં 16 લોકોનાં મૃત્યુ થયાની દુર્ઘટના બની તેની નોંધ આખા દેશે લીધી છે અને આ હોર્ડીંગનો ફરાર માલિક ભાવેશ ભિંડે હજી સુધી પકડાયો નથી. ત્યારે આ ઘટના અંગે વધુ ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. આ હોર્ડીંગ જે પેટ્રોલપંપ પર પડ્યું અને જ્યાં લોકોના મૃત્યુ થયા એ પેટ્રોલપંપને ક્લીયરન્સ ન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. એટલે હવે તપાસ એજન્સીઓ પેટ્રોલ પંપ પાસે યોગ્ય પરમિટ મળી હતી કે નહીં એ પાસાઓની પણ તપાસ કરશે.
મળેલી માહિતી મુજબ જે જગ્યા પર પેટ્રોલ પંપ છે તે હાઉઝિંગ ડિપાર્ટમેન્ટના અંતર્ગત આવે છે અને આ પેટ્રોલ પંપને ઓક્યુપેશન સર્ટિફિકેટ(ઓસી) મળ્યું ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓસી પાલિકા દ્વારા આપવામાં આવતું સર્ટિફિકેટ છે જેનાથી પ્રમાણિત થાય છે કે જે તે બિલ્ડીંગ દ્વારા બધા જ નિયમો અને કાયદા તેમ જ સંબંધિત જોગવાઇઓનું પાલન કર્યું છે. મુંબઈમાં પેટ્રોલ પંપ સહિતના તમામ વ્યવસાયિક ક્ષેત્રો માટે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી લાઇસન્સ મેળવવું ફરજિયાત છે.
આ માહિતી સામે આવતા હવે તપાસ એજન્સીઓ દ્વારા આ પેટ્રોલ પંપ પાસે તમામ લાઇસન્સ અને ક્લીયરન્સ હતા કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવશે. ખાસ કરીને જીઆરપી(ગવર્નમેન્ટ રેલવે પોલીસ)ની ઇમારતોના સ્થાને બનાવવામાં આવેલા પેટ્રોલ પંપ પાસે તમામ ક્ષેત્રીય લાઇસન્સ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
જે જમીન પર પેટ્રોલ પંપ ઊભું કરવામાં આવ્યું હતું તે જમીન હાઉઝિંગ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી હોવાથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ એટલે કે મહેસૂલ વિભાગ પાસેથી આ જમીનને વ્યવસાયિક ઉપયોગમાં લેવા માટેની મંજૂરી પણ લેવી ફરજિયાત છે. હવે રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસેથી જરૂરી મંજૂરી લીધા વિના કઇ રીતે આ જમીનનો ઉપયોગ વ્યવસાયિક ઉદ્દેશ માટે થતો હતો તેની તપાસ કરવામાં આવશે. જેને પગલે પોલીસ હાઉઝિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફ પણ તપાસની દિશા ફરશે, તેવી શક્યતા છે.