મહારાષ્ટ્ર ચૂંટણી માટે તૈયાર રહો: પાર્ટી સ્થાપના દિવસે એનસીપી (એસપી) કાર્યકરોને શરદ પવારની હાકલ
પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે સોમવારે તેમના પક્ષના કાર્યકરોને આ વર્ષના અંતમાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર રહેવાની હાકલ કરી હતી અને દાવો કર્યો હતો કે ચૂંટણી પછી રાજ્યની સત્તા તેમના હાથમાં હશે.
એનસીપીના પચીસમા સ્થાપના દિનની ઉજવણી માટે પાર્ટીની ઓફિસમાં હાજર એનસીપી (શરદચંદ્ર પવાર) પક્ષના કાર્યકર્તાઓને સંબોધતાં તેમણે ઉપરોક્ત હાકલ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં એનસીપી એસપીએ 8 બેઠક પર વિજય મેળવીને સનસનાટી ફેલાવી દીધી હતી.
પવારે તેમની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુળે અન્ય નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં તેમની પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો.
છેલ્લા 25 વર્ષોમાં અમે પાર્ટીની વિચારધારાને ફેલાવવા માટે કામ કર્યું છે અને ચાલો તેને આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કરીએ. આગામી ત્રણ મહિનામાં, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે અને તે માટે કામ કરવાની આપણી સામૂહિક જવાબદારી છે. ચૂંટણીમાં રાજ્યની સત્તા તમારા હાથમાં હશે એમ એનસીપીના સ્થાપકે કહ્યું હતું.
શરદ પવારે 1999માં કોંગ્રેસથી અલગ થઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી.
અજિત પવાર અને અન્ય કેટલાક ધારાસભ્યો રાજ્યની શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા બાદ ગયા વર્ષે જુલાઈમાં એનસીપીનું વિભાજન થયું હતું.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી પંચે અજિત પવાર જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરીકે માન્યતા આપી હતી અને પાર્ટીનું પ્રતિક ઘડિયાળ ફાળવી હતી.
શરદ પવારની એનસીપી (એસપી) ને ચૂંટણી લડવા માટે તુતારીનું પ્રતીક ફાળવવામાં આવ્યું હતું. (પીટીઆઈ)