લોકોએ સત્તા 1 કે 2 વ્યક્તિના હાથમાં ન આવે તે માટે મતદાન કર્યું: શરદ પવાર

પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે સોમવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં લોકોએ એક કે બે વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થયેલી સત્તા પર લગામ લગાવવા માટે મતદાન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે સત્તારૂઢ ભાજપ માટે 543 સભ્યોની લોકસભામાં 272નો બહુમતીનો આંકડો હાંસલ કરવો મુશ્કેલ હોત જો તેને નીતિશ કુમારની આગેવાનીવાળી જેડીયુ, ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી અને અન્ય પાર્ટીઓનું સમર્થન ન મળ્યું હોત.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવી શક્યું ન હોવા છતાં પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)એ 543માંથી 293 બેઠકો મેળવી હતી.
પવારે કહ્યું હતું કે આજે દેશ અલગ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. સરકારની લગામ (વડાપ્રધાન) નરેન્દ્ર મોદીના હાથમાં છે, પરંતુ ચૂંટણીનાં પરિણામો જોતાં જનતાનો જનાદેશ તેમને માટે સુવિધાજનક નથી. પાંચ વર્ષ પહેલાં જીતેલી બેઠકોની સરખામણીએ આ વખતે તેમની સંખ્યા અને તાકાતમાં ઘટાડો થયો છે.
દેશના લોકોએ આગળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અથવા બે વ્યક્તિના હાથમાં રહેતી સત્તા પર નિયંત્રણ રાખવા માટે મતદાન કર્યું હતું એમ તેમણે કહ્યું હતું.
સત્તાનું સંપૂર્ણ વિકેન્દ્રીકરણ થયું નથી, વહીવટીતંત્રની પ્રક્રિયા શરૂ થઈ છે જે સત્તાના વિકેન્દ્રીકરણના માર્ગ પર લઈ જશે એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. (પીટીઆઈ)