
સાતારાઃ દિવસે દહાડે, જાહેરમાં યુવતીઓને હેરાન કરતા, મારતા યુવકોને કેમ પાઠ ભાણાવાય તે મહારાષ્ટ્રના સાતારાના લોકોએ શિખવ્યું છે. અહીં એક સ્કૂલગર્લને એકતરફી પ્રેમ કરનારો યુવક સતાવતો હતો. છોકરીએ દાદ ન દેતા તેણે સ્કૂલેથી પરત ફરતી છોકરીને પકડી તેને ચાકુ દેખાડ્યું હતું. અહીંના બસ્સપાપેઠ કરંજે નામના સ્થળની આ ઘટના છે.
યુવકે ચાકુ દેખાડી છોકરીને પકડી હતી અને હાજર લોકોએ તેને છોડી દેવા કહ્યું ત્યારે તેમને પણ ચાકુ બતાવી ત્યાંથી નીકળી જવા ધમકી આપી, તેની સામેથી તો લોકો નીકળી ગયા, પરંતુ એક યુવાને ચાલાકી બતાવી પાછળથી તેના પર હુમલો કર્યો અને તેને પકડી લીધો ત્યારબાદ તો જેટલા હાજર હતા તેટલાએ સાથે મળી તેની ધુલાઈ કરી હતી.
ત્યારબાદ પોલીસ આવી હતી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર અગાઉ પણ આ યુવકે આ છોકરીને પરેશાન કરી હતી. આ ઘટનાએ ફરી છોકરીઓ-મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ઊભો કર્યો છે.