મહારાષ્ટ્રના લોકોને નિરાશાનો સામનો નહીં કરવો પડે: પંકજા મુંડે
મુંબઈ: ભાજપના નેતા પંકજા મુંડેએ દશેરા નિમિત્તે ભગવાન ગઢ પર દશેરા રેલી નિમિત્તે પોતાની વાત કહેતા કહ્યું હતું કે જેઓને પદ, પ્રતિષ્ઠા અને માન મળે છે તેઓનું બધુ સારું છે, પણ દર વખતે તમે આશા રાખીને બેસો છો અને દર વખતે તમારી આશા પર પાણી ફેરવાઇ જાય છે. હવે મહારાષ્ટ્રના લોકોને લાંબા સમય સુધી નિરાશાનો સામનો નહીં કરવો પડે.
હવે મેદાનમાં ઊતરીશું, મહારાષ્ટ્રનો જૂનો વારસો મેળવવામાં અડચણ બનતા લોકોને દૂર કરીશું. હવે ફક્ત સમાજની સેવા કરનારા લોકોને સમર્પિત નેતૃત્વ ઘડવા માટે પ્રયત્ન કરાશે. મને કંઇ મળે ન મળે, પરંતુ આગામી પેઢીને રાહત આપવા કામ કરીશું, એમ મુંંડેએ કહ્યું હતું.
પંકજા મુંડેએ કહ્યું હતું કે તમે જીતવા માટે કંઇ પણ કરી શકો છો, પણ આ જીત મેળવવા માટે પોતાની નિષ્ઠા ગિરવે ન મૂકાય. હું મારો અને તમારો સન્માન ક્યારેય મરવા નહીં દઉ. તમને ન્યાય અપાવવા માટે ૨૦૨૪ સુધી મેદાનમાં છું અને તમારી ઇચ્છા હોય તો ત્યાંથી પણ મને કોઇ દૂર કરી શકશે નહીં, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.