ગાયોને કતલ માટે લઇ જનારા લોકોએ પોલીસ પર કર્યો હુમલો: ત્રણ પકડાયા

પાલઘર: પાલઘર જિલ્લામાં ગાયોને કતલ માટે લઇ જવાના પ્રયાસને નિષ્ફળ બનાવનારી પોલીસ ટીમ પર લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.
જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે જવ્હારના ધરનપાડા ખાતે સોમવારે સવારે આ ઘટના બની હતી. આ પ્રકરણે સાત લોકો સામે ભારતીય દંડસહિતાની સંબંધિત કલમો હેઠળ તથા પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટૂ એનિમલ્સ એક્ટ અને મહારાષ્ટ્ર એનિમલ પ્રિઝર્વેશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: એમ. એસ. યુનિવર્સિટીના ક્વાટરમાં અધ્યાપકે ગાયો પાળતા વિવાદ
પોલીસની પેટ્રોલિંગ ટીમને માહિતી મળી હતી કે આ વિસ્તારમાં ગાયોને ટ્રકમાં ભરીને કતલ માટે લઇ જવામાં આવી રહી છે.
આથી પોલીસની ટીમે આખા વિસ્તારમાં શોધખોળ હાથ ધરી ત્યારે આરોપીઓ ટેકરી પર છુપાયા હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પોલીસે આરોપીઓનો પીછો કર્યો ત્યારે તેમણે પોલીસ ટીમ પર પથ્થરમારો કરવા સાથે દાતરડાથી હુમલો કર્યો હતો.
પોલીસે ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા, જેમની ઓળખ સોહેબ ખાન ખલીલ ખાન (26), શેખ શબ્બીર શેખ (22) અને સુમિત લાઝરસ ખરાત (32) તરીકે થઇ હતી. સોહેબ ખાન અને શબ્બીર માલેગાંવના, જ્યારે સુમિત અહમદનગરનો રહેવાસી છે.
આ પણ વાંચો: પાટડીના એક ગામે બેસતા વર્ષે ગાયો દોડાવાની છે વર્ષો જુની પરંપરા
આરોપીઓ ગાયોને કતલ માટે માલેગાંવ લઇ જઇ રહ્યા હતા. આરોપીઓ પાસેથી પાંચ વાછરડાં અને છ ગાય મળી આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)