પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા કૉન્ટ્રેક્ટરને દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પાલિકાએ બહાર પાડેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા બદલ પશ્ર્ચિમ ઉપનગરમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરનારા કૉન્ટ્રેક્ટરને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે સતત કાર્યવાહી ચાલી રહી છે, જે અંતર્ગત ચાર નવેમ્બરથી અત્યાર સુધી ૪૬ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પાલિકા દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. એ સાથે જ મુંબઈના તમામ વોર્ડમાં બનાવવામાં આવેલી ટીમ દ્વારા પોતાના વિસ્તારમાં ઈન્સ્પેકશન પણ કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત બાંદ્રામાં સેંટ એન્થની રોડ અને ખાર (પશ્ર્ચિમ)માં મધુ પાર્ક રોડ પર રસ્તાના કૉંક્રીટાઈઝેશનનું કામ કરનારાકૉન્ટ્રેક્ટરે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેના નિયમોની પાલન કર્યું ન હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી આ કૉન્ટ્રેક્ટરને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમ જ તેને તાત્કાલિક ધોરણે વાયુ પ્રદૂષણ અટકાવવા માટે જરૂરી પગલા લેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. તેથી તેને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની ગાઈડલાઈન ૨૫ ઑક્ટોબર, ૨૦૨૩ના બહાર પાડવામાં આવી હતી, જેમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર બેરીકેટ્સ લગાવવવાથી લઈને પરિસરને ધોવા અને સ્વચ્છ રાખવા જેવા નિયમોનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે મુંબઈમા ૬,૬૯૦ ક્ધસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ સાઈટ છે, જેમાંથી ૨,૯૯૫ને છેલ્લા અઢી મહિનામાં ઈન્ટીમેશન લેટર મોકલવામાં આવ્યા છે. તમામ ૨૪ વોર્ડમાં રચાયેલી ૯૬ સ્પેશિયલ સ્કવોડ પોત-પોતાના વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ઈન્સ્પેકશન કરે છે. આ સ્કવોડે અત્યાર સુધીમાં ૬૧૭ શો-કોઝ નોટિસ અને ૮૯૫ સ્ટોપ વર્ક નોટિસ ક્ધસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઈટને મોકલી છે.