શિવસેનામાં શાંતિ શિકાયત
હવે લડાઈ સુપ્રીમ કોર્ટમાં
(તસવીરો: અમય ખરાડે)
મુંબઈ: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથના ૧૬ વિધાનસભ્યોની અપાત્રતા મુદ્દે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે સ્પીકરનો નિર્ણય આવ્યો હતો. વિધાનસભ્યોની અપાત્રતા મુદ્દે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઠાકરે જૂથ બંનેના વિધાનસભ્યોને સ્પીકર રાહુલ નાર્વેકરે સૌથી મોટી રાહત આપી હતી. રાહુલ નાર્વેકરે શિંદે અને તેમના વિધાનસભ્યોના સભ્યપદને યથાવત રાખ્યું હતું, તેનાથી ઉદ્ધવ ઠાકરે જૂથને સૌથી મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ઠાકરે જૂથના વિધાનસભ્યોની સામેની અપાત્રતાની પિટિશનને પણ અમાન્ય રાખી છે.
ચૂંટણી પંચના ચુકાદાને ધ્યાનમાં રાખીને શિંદેની શિવસેનાને જ અસલી ગણાવી હતી. નાર્વેકરે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની પાસે એકનાથ શિંદેને પાર્ટીમાંથી હટાવવાનો અધિકાર નથી. આ અધિકાર ફક્ત પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી પાસે છે. આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે જૂથને સૌથી મોટો ફટકો માનવામાં આવે છે.
સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ત્રણ બાબતો સમજવાનું જરુરી છે. પાર્ટીનું બંધારણ શું કહે છે, નેતૃત્વ કોનું પાસે હતું અને વિધાનભવનમાં બહુમતી કોની છે. ૨૦૧૮માં શિવસેના પાર્ટીના બંધારણ અન્વયે નિમણૂક કરી છે અને એનું ધ્યાન રાખ્યું છે. ૨૦૧૮માં પાર્ટીના બંધારણમાં કોઈ બદલાવ કર્યો હોવાની વાત બંને પક્ષ જાણતું હતું.રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ઈલેક્શન કમિશનના રેકોર્ડમાં પણ શિંદે જૂથ અસલી શિવસેના છે, તેથી ચૂંટણી પંચના રેકોર્ડને માન્ય રાખ્યો છે.
ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચના ચુકાદાને પણ પડકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારા માટે અસલી મુદ્દો તો અસલી શિવસેના કોણ છે? સુનાવણી દરમિયાન એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે ૨૦૧૮ પછી શિવસેનામાં કોઈ ચૂંટણી થઈ નથી. આ જ કારણથી ૨૦૧૮માં શિવસેનાનું બંધારણ માન્ય નથી, તેથી ૧૯૯૯ના બંધારણનો આધાર રાખ્યો છે.
ઠાકરેના વિધાનસભ્યોને માટે કોનું દબાણ હતું શિંદે જૂથ
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભ્યોની અપાત્રતાની પિટિશન પર ચુકાદો આપ્યા બાદ શિંદે જૂથ દ્વારા આ ચુકાદા પર નારાજગી વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું હતું કે જો ખરી શિવસેના એકનાથ શિંદેની છે એમ રાહુલ નાર્વેકરે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું તો પછી ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૨ વિધાનસભ્યોને કેમ ગેરલાયક ઠેરવવામાં આવ્યા નથી. આને માટે કોનું દબાણ હતું? એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે. શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે આખો ચુકાદો વાંચ્યા પછી આગામી પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.
ઉદ્ધવ પાસે બહુમત નહોતો નાર્વેકર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના યુબીટી દ્વારા દાખલ કરવામાં આવેલી અપાત્રતાની પિટિશનની સુનાવણી કરતી વખતે એક બાબત નાર્વેકરે સ્પષ્ટ કરી હતી કે શિવસેનામાં પક્ષપ્રમુખપદ સર્વોચ્ચ પદ છે, પરંતુ પક્ષ પ્રમુખનો મત અંતિમ માનવામાં આવે એના સાથે હું સહમત થતો નથી. આવી જ રીતે પક્ષપ્રમુખને પાર્ટીમાં કોઈની હકાલપટ્ટી કરવાનો અધિકાર મળતો નથી, જ્યાં સુધી તેને રાષ્ટ્રીય કારોબારીનું સમર્થન મળતું નથી. તેમણે કહ્યું હતું કે ૨૦૧૮ના પાર્ટીના બંધારણને માન્ય રાખવામાં આવે એવી ઉદ્ધવ ઠાકરે જૂથની માગણી અમાન્ય રાખવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ પાસે ૧૯૯૯ની બંધારણની પ્રત હતી એટલે તેને જ માન્ય રાખવામાં આવી હતી. પક્ષપ્રમુખને પાર્ટીમાંથી કોઈને પણ કાઢવાનો અધિકાર મળતો નથી. એકનાથ શિંદેની હકાલપટ્ટી કરવા માટે ઉદ્ધવ ઠાકરે પાસે કોઈ અધિકાર નથી. રાષ્ટ્રીય કારોબારી સાથે ચર્ચા કર્યા બાદ જ આવો નિર્ણય લઈ શકાય છે. આથી એકનાથ શિંદેને જૂથનેતા પદ પરથી કાઢવાનો અધિકાર ઉદ્ધવ ઠાકરેને નથી, એમ રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરે ઉલટતપાસ માટે આવ્યા ન હોવાથી તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાને અપાત્ર માનવામાં આવી રહ્યું છે. તેમણે એવી ટિપ્પણી કરી હતી કે શિંદેને હટાવવા માટે ઉદ્ધવ ઠાકરેને બહુમતની આવશ્યકતા હતી અને તેમની પાસે બહુમત ન હોવાથી શિંદેની હકાલપટ્ટીને માન્ય રાખી શકાય નહીં. શિવસેનાના પક્ષપ્રમુખને કોઈને પણ પાર્ટીમાંથી કાઢી મૂકવાનો અધિકાર મળતો નથી.
પક્ષપલટુ પાસેથી અપેક્ષિત ચુકાદો ઉદ્ધવ ઠાકરે
શિંદેની શિવસેના ક્યારેય તેમની થઈ શકે એમ નથી. તેમનો અને શિવસેનાનો સંબંધ ક્યારનો પૂરો થઈ ગયો છે. આથી શિવસેના ફક્ત અમારી છે, એમ જણાવતાં ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું કે જેણે પોતે જ બે-ત્રણ વખત પક્ષ પલટો કર્યો હોય તેણે પક્ષ કેવી રીતે બદલી શકાય એનો રાજમાર્ગ દેખાડી દીધો છે. સુપ્રીમ કોર્ટના નિયમોને ચાતરવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, નાર્વેકર પોતે, જેમણે પોતે બે-ત્રણ પક્ષો બદલ્યા, તેમણે પક્ષપલટા વિરોધી કાયદાને મજબૂત બનાવવાને બદલે, કેવી રીતે પક્ષપલટો કરવો તે દેખાડી દીધું છે. તેઓએ વિધાનસભાના અધ્યક્ષને મળેલા અધિકારોનો દુરુપયોગ કર્યો છે. શિવસેનાનું નાનું બાળક પણ આ કહી શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ રાહુલ નાર્વેકરની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે હવે એ વાત સામે આવી છે કે નાર્વેકરને ત્યાં શા માટે મૂકવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સર્વોચ્ચ છે, એક માપદંડ છે. પરંતુ નાર્વેકરેએ સુપ્રીમ કોર્ટના નિયમોને નકારી કાઢ્યા છે. તેમણે બતાવ્યું કે તેમની પાછળ મોટી શક્તિ હોવાને કારણે તેઓ સુપ્રીમ કોર્ટથી ઉપર છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વર્તમાન સરકારે લોકતંત્રને કચડી નાખ્યું છે. તેથી સુપ્રીમ કોર્ટે જોવું જોઈએ કે તેમના અધિકારો પર અબાધિત રહે છે કે કેમ? આને માટે સુપ્રીમ કોર્ટે સુઓ-મોટો પિટિશન દાખલ કરવી જોઈએ.
સુપ્રીમમાં જઈશું આદિત્ય ઠાકરે
રાહુલ નાર્વેકરે આપેલા ચુકાદા સંબંધે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી હતી.
વંશવાદનો અંત મુખ્ય પ્રધાન
મુંબઈ: વિધાનસભ્યોની અપાત્રતાની પિટિશન પરના ચુકાદા બાદ પહેલી પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું કે ચુકાદો મેરિટ અનુસાર જ આવ્યો છે. અમારી પાસે બહુમત છે, આથી ચુકાદો અમારી તરફેણમાં આવશે એમ મેં પહેલાં જ કહ્યું હતું. શિંદે જૂથના ૧૬ વિધાનસભ્યો પાત્ર સિદ્ધ થયા છે અને વ્હીપ તરીકે ભરત ગોગાવલેના વ્હીપને માન્યતા આપવામાં આવી છે.
શિંદેએ કહ્યું હતું કે લોકશાહીમાં બહુમતને મહત્ત્વ હોય છે. ચૂંટણી પંચે પણ અમારી શિવસેના વાસ્તવિક હોવાનું માન્ય રાખ્યું હતું. એકાધિકારશાહી અને વંશવાદનો આ ચૂકાદામાં અંત આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પાર્ટીમાં પોતાની મનમાની કરીને નિર્ણયો લઈ શકે નહીં. લોકશાહીમાં કોઈ પક્ષપ્રમુખ પાર્ટીમાં મનમાની કરતો હોય તો પક્ષના અન્ય સબ્યોને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો અધિકાર છે. આવા સમયે બંધારણની દસમી સૂચીની (પક્ષપલટા વિરોધી) જોગવાઈઓ લાગુ પડતી નથી. આથી પક્ષપ્રમુખ કે પક્ષાધ્યક્ષનો એકલાનો મત આખા પક્ષનો મત થતો નથી. કોઈપણ રાજકીય પક્ષ એકલા માણસની ખાનગી મિલકત હોઈ શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન શરદ પવાર
મુંબઈ: શિવસેના વિધાનસભ્ય અપાત્રતા કેસમાં વિધાનસભા અધ્યક્ષે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ જઈને ચુકાદો આપ્યો હતો એવો દાવો કરતાં શરદ પવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે રાજકીય સંગઠનને મહત્વ આપ્યું જ્યારે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભા પક્ષને મહત્વ આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. પવારે એમ પણ કહ્યું કે તેમને ખાતરી છે કે તેમને ત્યાં ન્યાય મળશે.
એનસીપી પ્રમુખ શરદ પવારે બુધવારે પુણેમાં કહ્યું હતું કે આજના ચુકાદામાં કશું જ આશ્ચર્યજનક નથી. અમે એકબીજાની વચ્ચે ચર્ચા કરતા હતા કે આ પરિણામ ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં નહીં આવે. મુખ્યપ્રધાનને વિશ્વાસ હતો કે પરિણામ તેમની તરફેણમાં આવશે. પવારે એમ પણ કહ્યું હતું કે આજનું પરિણામ શાસક પક્ષ અને તેના વિધાનસભ્યોની આગાહી મુજબ સાચું પડ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાં જવું પડશે અને આજના ચુકાદા પરથી લાગે છે કે ઉદ્ધવ ઠાકરેને ત્યાં જ ન્યાય મળશે. સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતોે કે વિધાનસભા કરતાં પક્ષનું સંગઠન વધુ મહત્વનું છે. પરંતુ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અલગ જ ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓ અનુસાર પક્ષ સંગઠનને વ્હીપનો ઉપયોગ કરવાનો અધિકાર છે એ બાબત પ્રત્યે પવારે ધ્યાન દોર્યું હતું.
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બંને પક્ષોને લાયક ઠેરવ્યા છે. નાર્વેકરે સુપ્રીમ કોર્ટના નિર્ણયો બદલ્યા છે. ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાં જવાનો મોકો છે. પવારે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાં ન્યાય મળશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. પવારે કહ્યું કે આ પરિણામની અમને અસર નહીં થાય. તેમણે એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ભરત ગોગાવલેને વ્હીપ તરીકે અમાન્ય રાખ્યા હતા, પરંતુ નાર્વેકરે તેમને જ માન્યતા આપી હતી અને તે દૃષ્ટિએ ચુકાદો આપ્યો હતો.
યે તો હોના હી થા એનસીપી
રાહુલ નાર્વેકરે આપેલા ચુકાદા અંગે એનસીપીના પ્રમુખ શરદ પવાર જૂથે કહ્યું હતું કે આ જ થવાનું હતું ખબર હતી. ઉદ્ધવ ઠાકરે તમે કોની પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા. આ લોકો ન્યાય કરશે એવી તમને આશા હતી? એવો સવાલ શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે કર્યો હતો.