પવઈમાં શૌચાલયની ટાંકી સાફ કરતા સમયે ગૂંગળાઈ જવાથી એકનું મોત: એક ગંભીર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પવઈમાં એક રહેણાંક સોસાયટીમાં બુધવારે સવારના સ્યુજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (શૌચાલયની ટાંકી) સાફ કરતા સમયે બે મજૂર ટાંકીમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં ગૂંગળાઈ જવાથી એક મજૂરનું મૃત્યુ થયું હતું. તો બીજાની હાલત ગંભીર છે.
પવઈમાં હીરાનંદાની હૉસ્પિટલ સામે રાજ ગ્રાન્ડ દોઈ બિલ્ડિંગ આવેલી છે. બુધવારે સવારના અલ્ટ્રા ટેક પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા અહીં સ્યુજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટાંકી સાફ કરવાનું કામ કરવામાં આવી રહ્યું હતું.
આપણ વાચો: 130થી વધુને ભોગ લેનારા મોરબી બ્રિજ દુર્ઘટનામાં તપાસના અંતે ચીફ ઓફિસર દોષિત
લગભગ ૧૦.૪૦ વાગે અચાનક બે મજૂર ટાંકીની અંદર પડી ગયા હતા. દુર્ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ, પોલીસ સહિત પાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
શૌચાલયની ટાંકીની અંદર નિર્માણ થયેલા ગેસને કારણે બંને મજૂરો ગૂંગળાઈને બેહોશ થઈ ગયા હતા. બંને જણ અંદર ટાંકીમાં ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડે બંનેને ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા અને નજીક આવેલી હીરાનંદાની હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.
હૉસ્પિટલમાં સારવાર પહેલા જ બેમાંથી એક મજૂરને મૃત જાહેર કરવામા આવ્યો હતો. તો ૨૮ વર્ષના ફુલચંદ કુમારની હાલત ગંભીર હોઈ તેના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.



