કાઉન્સિલની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ: ગદ્દાર ઓળખાયા, સજા થશે: પટોલે
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું છે કે વિધાન પરિષદની 11 બેઠકોની તાજેતરમાં થયેલી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના ગદ્દારોની ઓળખ કરી નાખવામાં આવી છે અને તેમને સજા કરવામાં આવશે.
આ જ ગદ્દારોએ બે વર્ષ પહેલાં વિધાન પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ચંદ્રકાંત હંડોરેની હાર માટે કામ કર્યું હતું એવો દાવો પટોલેએ શનિવારે કર્યો હતો.
પટોલેએ કોઈનું નામ લીધા વિના અહીં પત્રકારોને જણાવ્યું હતું કે આ વખતે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને તેમની ઓળખ છતી થઈ ગઈ છે. તેઓને હવે એવી સજા કરવામાં આવશે જેથી કોઈ ફરીથી પક્ષ સાથે દગો કરવાની હિંમત ન કરે.
શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે રવિવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે કોંગ્રેસે સ્વીકાર્યું છે કે ક્રોસ વોટિંગ થયું છે અને તેઓ તે મુજબ પગલાં લેશે.
કેન્દ્ર સરકાર કટોકટી લાદવાના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવા જઈ રહી છે ત્યારે અપાત્રતાનો સામનો કરી રહેલા વિધાનસભ્યો દ્વારા ચૂંટાયેલા એમએલસી શું ગેરબંધારણીય નથી? શું વિધાનસભ્યોને લાંચ આપીને ખરીદવા એ ગેરબંધારણીય નથી? ભાજપ બંધારણના સાચા ખૂની છે એવો આક્ષેપ પણ રાઉતે કર્યો હતો.
આ પણ વાંચો : આંધ્રના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ શિંદેને મળ્યા: રાજનીતિ, સહકાર પર ચર્ચા કરી
શિવસેના અને એનસીપીમાં વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) અને શરદ પવારની એનસીપી (એસપી) એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના પક્ષોના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
રાજ્યમાં શાસક સીએમ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીની બનેલી મહાયુતિએ શુક્રવારે વિધાન પરિષદની 11 બેઠકોની દ્વિવાર્ષિક ચૂંટણીમાં લડેલી તમામ નવ બેઠકો જીતી લીધી હતી.
શરદ પવારની એનસીપી (એસપી) દ્વારા સમર્થિત ઉમેદવાર હારી જતાં વિપક્ષ મહા વિકાસ અઘાડી (મવિઆ) ને આંચકો લાગ્યો હતો.
કોંગ્રેસના ઓછામાં ઓછા સાત વિધાનસભ્યોએ મતદાન કરતી વખતે પાર્ટીના નિર્દેશનો ભંગ કર્યો હતો એવું પરિણામો દર્શાવે છે.
37 વિધાનસભ્યો ધરાવતી કોંગ્રેસે તેના ઉમેદવાર પ્રજ્ઞા સાતવ માટે 30 પહેલી પસંદના વોટનો ક્વોટા નક્કી કર્યો હતો અને બાકીના સાત વોટ સાથી પક્ષ શિવસેના (યુબીટી) ના ઉમેદવાર મિલિંદ નાર્વેકરને મળવાના હતા, એમ પાર્ટીના સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું.
આખરે સાતવને 25 અને નાર્વેકરને 22 પ્રથમ પસંદગીના મત મળ્યા, જેનો અર્થ એ થયો કે કોંગ્રેસના ઓછામાં ઓછા સાત વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. (પીટીઆઈ)