આમચી મુંબઈ

રાજ્યમાં દર્દીઓ મરી રહ્યા છે, જ્યારે દવાના ₹ ૭૦૦ કરોડ ધૂળ ખાય છે

મુંબઈ: સરકારી હૉસ્પિટલોમાં ઔષધની ખરીદી માટેની જવાબદારી હજી હમણાં સુધી હાફકિન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડની હતી અને રાજ્યની હૉસ્પિટલોમાં મૃત્યુ દર વધી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર્ના જાહેર આરોગ્ય વિભાગ તરફથી તબીબી પુરવઠા માટે આપવામાં આવેલા ૭૦૦ કરોડ રૂપિયા વપરાયા વિના પડ્યા છે. આ ઉપરાંત રાજ્યના તબીબી શિક્ષણ દ્વારા વિતરિત કરવામાં આવેલા કેટલાક કરોડો રૂપિયા પણ હાફકિન પાસે ઉપયોગ વિના પડ્યા છે.

એક અધિકારીએ વ્યક્ત કરેલા અંદાજ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ૨૫૦૦ કરોડના ઔષધ અને તબીબી સાધનોની ખરીદી હાફકિન દ્વારા ન કરવામાં આવી હોવાની સંભાવના છે. ભૂતપૂર્વ ડીને માહિતી આપતા જણાવ્યું હતું કે ‘એમાંના મોટા ભાગના પૈસા સંબંધિત વિભાગોને પરત કરી દેવામાં આવ્યા છે પણ હકીકત એ છે કે રાજ્ય સરકાર હાફકિનને સક્રિય કરી ન શકી જેના કારણે ગરીબ દર્દીઓએ સહન કરવાનો વારો આવ્યો છે.’

આ વર્ષના પ્રારંભ સુધી સરકાર સંચાલિત હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજો માટે દવા, તબીબી ઉપકરણો અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરી આપવાની જવાબદારી હાફકિનની હતી. મેડિકલ જરૂરિયાત મેળવવા ઈચ્છતી કોઈ પણ સંસ્થાએ ભંડોળ હાફકિનને આપવાનું રહેતું અને ત્યારબાદ હાફકિન ખરીદી માટે ટેન્ડર બહાર પાડતું હતું. રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કૉલેજોએ ૯૦ ટકા ભંડોળ હાફકિનને આપવાનું રહેતું. જોકે, હાફકિન વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં નિષ્ફળ રહ્યું હતું. પરિણામે બધું ભંડોળ અટકી પડ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button