ડિસ્ચાર્જ મળ્યાના કલાકો બાદ દર્દીનું મૃત્યુ: સગાંવહાલાંએ હોસ્પિટલમાં કરી તોડફોડ

થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં ડિસ્ચાર્જ મળ્યાના કલાકો બાદ દર્દીનું મૃત્યુ થતાં રોષે ભરાયેલા સગાંવહાલાંએ ખાનગી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
ઉલ્હાસનગરની ખાનગી હોસ્પિટલમાં શનિવારે રાતે આ ઘટના બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
53 વર્ષના શખસને અઠવાડિયા અગાઉ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને શનિવારે તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. તે ઘરે પહોંચ્યા બાદ ફસડાઇ પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
આથી રોષે ભરાયેલા સગાંવહાલાં હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને પરિસરમાં તોડફોડ કરી હતી તથા ફર્નિચર અને સાધનોને નુકસાન પહોંચાડ્યું હતું.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શંકર અવતાડેએ જણાવ્યું હતું કે આ પ્રકરણે કોઇ ગુનો નોંધવામાં આવ્યો નથી, પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અમે હોસ્પિટલના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહ્યા છીએ. (પીટીઆઇ)