મુસાફરોને હવે રેલ ભાડામાં બિલકુલ છૂટ નહીં મળે
રેલવેમાં વરિષ્ઠ નાગરિકો સહિત અન્ય કેટેગરીઓને મળતી છૂટ હવે નહીં મળે
મુંબઈ: રેલવેમાં પ્રવાસીઓને ભાડામાં મળતી છૂટનો લાભ હવે મળશે નહીં. રેલવે પ્રશાસને અનેક સંગઠનો અને સમિતિઓની માગને ધ્યાનમાં લીધા બાદ આ નિર્ણય લીધો છે. રેલવેનું કહેવું છે કે, ભાડાની સબસિડી પહેલાની જેમ જ ચાલુ છે અને હવે પછી કોઈ છૂટ શક્ય નથી. એટલે કે ૨૦૨૦ પહેલા વરિષ્ઠ નાગરિકો સહિત અન્ય કેટેગરીઓને આપવામાં આવેલી છૂટ ભવિષ્યમાં બંધ કરવામાં આવશે. કોરોના પહેલા વિવિધ કેટેગરીના મુસાફરોને ટ્રેનના ભાડામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું, તે ૨૦૨૦માં બંધ કરવામાં આવ્યું હતું. સંસદીય સમિતિઓ, સંસ્થાઓ અને લોકોના પ્રતિનિધિઓએ રેલવે ભાડામાં છૂટ આપવાનું ફરી શરૂ કરવાની માંગ કરી હતી. જોકે, રેલવેએ ગંભીર બીમારીઓથી પીડિત મુસાફરો માટે ભાડામાં રાહત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. રેલવે દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે આવનારા સમયમાં સુવિધા વધારવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોની જેમ, મહિલાઓને પણ વધારાનું ભાડું ચૂકવ્યા વિના પ્રાથમિકતા પર લોઅર બર્થ મળશે.