મુંબઈ-નાસિક હાઇ-વે પર મુસાફરોના બેહાલઃ ૪ કલાકની મુસાફરી ૧૦ કલાકમાં
મુંબઈઃ મુંબઈ-નાશિક હાઈ-વે પર વિવિધ સ્થળોએ ખાડાઓ અને ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહેલા બાંધકામના કામકાજને કારણે છેલ્લા ઘણા દિવસોથી થાણેથી વડપે, વાશિંદ, શાહપુર અને ચેરપોલીઘાટ સુધી ભારે ટ્રાફિક જામના કારણે હાઇવે પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગે છે, જેથી હાઈ-વે પર અવરજવર કરનારા વાહનાચાલકોને મુસાફરી કરવામાં ભારે હાલાકી પડી રહી છે.
આ પણ વાંચો: Mumbai Nashik હાઇ-વે પર મુસાફરી કરનારા લોકોને વર્ષ ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે નહીં
ખાસ કરીને હાઈ-વે પર મોટા ખાડા પડી ગયા છે ત્યારે આસનગાંવમાં રેલવે બ્રિજ અને વાશિંદમાં ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. દરરોજ થતા ભારે ટ્રાફિક જામના કારણે નાસિકથી થાણે અને મુંબઈ જતા લોકોને ખાસ કરીને એમ્બ્યુલન્સ અને સ્કૂલ બસોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ પણ જામમાં ફસાઈ ગયા હતા. આ મુદ્દે રવિવારે મુખ્ય સચિવ નીતિન કરીરને નાસિકથી આવતી વખતે ટ્રાફિક જામમાં ફસાયા બાદ કસારાથી મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી પડી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ-નાસિક નેશનલ હાઈ-વે પર ખાડાઓ અને હાઈ-વેના કામકાજની ધીમી ગતિને કારણે ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો આદેશ આપ્યો હતો. આ માટે તેમણે સંબંધિત એજન્સીઓને ૨૮ જુલાઈના હાઈ-વેની મુલાકાત લેવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ-ગોવા હાઇ-વે પર લક્ઝરી બસમાં આગઃ ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી
આ ઉપરાંત, સંબંધિત એજન્સીઓને નિર્દેશ આપ્યા હતા કે આ કામમાં કોઈ વિલંબ ન થવો જોઈએ અને રસ્તાના કામમાં સલામતીના પગલાં લેવા જોઈએ. મુખ્યપ્રધાને ભારે વાહનો અને માલસામાનના વાહનો માટે સમયનું આયોજન કરવા, હાઈવે વિસ્તારમાંથી અતિક્રમણ દૂર કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે વોર્ડનની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હાઈવે નિર્માણ એજન્સીઓ પર તેની કોઈ અસર થઈ નથી.