‘યાત્રીગણ કૃપયા ધ્યાન દે’, જાણી લો કોનો છે આ અવાજ?
“યાત્રીગણ કૃપયા ધ્યાન દે” તમે બધા આ અવાજથી પરિચિત હશો, જેનો અવાજ મધુર અને સ્પષ્ટ છે. ખાસ કરીને મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસ કરતી વખતે આપણે સ્ટેશનો પર જુદી જુદી એનાઉન્સમેન્ટ સાંભળવા મળતી હોય છે. આ એનાઉન્સમેન્ટ જુદા જુદા લોકો માટે અને જુદા જુદા કારણોસર કરવામાં આવે છે. ક્યારેક સ્ટેશન માસ્તર હોય કે ક્યારેક કોઈ કર્મચારીને બોલાવવા કે કોઈ કામ સોંપવા માટે કરે છે. તો ક્યારેક સ્ટેશન પરિસરમાં ખોવાયેલા લોકો માટે અને અન્ય પ્રકારની માહિતી પૂરી પાડવા માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. જોકે, તેનો સૌથી વધુ ઉપયોગ પ્રવાસીઓને ટ્રેન સંબંધિત માહિતી માટે કરાય છે.
આ પણ વાંચો : Railway મુસાફરો માટે સારા સમાચાર, ટ્રેનોમાં આટલા જનરલ કોચ ઉમેરાશે…
એનાઉન્સમેન્ટ દ્વારા જ મુસાફરોને ખબર પડે છે કે તેમની ટ્રેન ક્યારે આવશે અને કયા પ્લેટફોર્મ પર આવશે. જો ટ્રેન મોડી છે, તો તે સ્ટેશન પર ક્યારે પહોંચશે અને જો કોઈ ટ્રેન કેન્સલ છે, તો મુસાફરો માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે. મોટા ભાગે સ્ટેશન પર ઘોષણાઓ મહિલાના અવાજમાં થતી હોય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અવાજ કોઈ મહિલાનો નહીં પણ ૨૪ વર્ષીય પુરુષનો છે, જેનું નામ શ્રવણ અદોડે છે. શ્રવણ અદોડે ભારતીય રેલવેમાં ખાનગી ક્ષેત્રના કર્મચારી તરીકે કામ કરે છે.
સોશિયલ મીડિયા પર શ્રવણનું નામ હવે જાણીતું બન્યું છે. શ્રવણ રેલવેનો એનાઉન્સર કઈ રીતે બન્યો અને ક્યાંનો છે એની વિગતે વાત કરીએ. શ્રવણની રેલવેની નોકરી-જર્ની સંયોગથી શરૂ થઈ હતી. એક દિવસ મહારાષ્ટ્રના પરલી સ્ટેશન પર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ઓટોમેટિક એનાઉન્સમેન્ટ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. આ કારણોસર એનાઉન્સમેન્ટની જવાબદારી શ્રવણને સોંપવામાં આવી.
શ્રવણે પરંપરાગત રીતે થતી ઘોષણાઓનું અનુકરણ કરીને મહિલાના અવાજમાં એનાઉન્સમેન્ટની શરૂઆત કરી. તેનો અવાજ મહિલા એનાઉન્સરના રેકોર્ડ કરેલા અવાજ સાથે સંપૂર્ણપણે મેળ ખાતો હતો. આ ઘટના પછી શ્રવણનું કામ બદલાઈ ગયું. હવે તે મહિલાઓના અવાજમાં રેલવે માટે એનાઉન્સમેન્ટ કરે છે. શ્રવણનો અવાજ હવે દેશભરના રેલવે સ્ટેશનો પર ગુંજી રહ્યો છે. વિવિધ એનાઉન્સમેન્ટ માટે તેના રેકોર્ડિંગ્સના ભાગોને ડિજિટલી મિક્સ કરવામાં આવે છે.
રેલવેના એનાઉન્સર તરીકે કામ કરવાની સાથે શ્રવણ એક વોકલ આર્ટિસ્ટ, ગાયક અને ફિલ્મો અને સિરિયલોમાં અભિનેતા પણ છે. વૈદ્યનાથ કૉલેજનો સ્નાતક અને બીએચઈએલ માધ્યમિક શાળાનો વિદ્યાર્થી, શ્રવણ મુંબઈમાં રહે છે.
આ પણ વાંચો : Central Railwayના આ સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં ફરી કરાયો ફેરફાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો….
તેમના કોલેજના દિવસો દરમિયાન, તેમના સાથીદારો તેમના અવાજની મજાક ઉડાવતા હતા અને તેમને જુદા જુદા નામોથી બોલાવતા હતા. શ્રવણે નકારાત્મકતાને અવગણીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે તેમનો અવાજ સમગ્ર ભારતમાં લાખો પ્રવાસીઓને માર્ગદર્શન આપે છે.