મધ્ય રેલવેમાં ટ્રેનોના ધાંધિયાથી મુસાફરો પરેશાન, દરરોજ ‘દસ કલાક’ મોડી પડી રહી છે ટ્રેનો
છેલ્લાં પાંચેક દિવસથી મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનોનું સમય પત્રક ખોરવાઇ ગયું છે. દાદર અને CSMT વચ્ચેની દૈનિક ટ્રેનો મુસાફરી કરવામાં 40-45 મિનિટનો સમય લઈ રહી છે. એક તો ગરમીનો કેર અને ઉપરથી ટ્રેનોના ધાંધિયા- આ બધાને કારણે ઉતારુઓ એટલા બધા પરેશાન થઇ ગયા છે કે તેઓ દાદરથી સીએસએમટી આવવાને બદલે પશ્ચિમ રેલવે દ્વારા ચર્ચગેટ પહોંચવાનું મુનાસિબ માની રહ્યા છે.
ટ્રેનોના રોજના વિલંબની કારણની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે CSMT સ્ટેશન પર યાર્ડની કામગીરી બાદ આ રામાયણ શરૂ થઇ છે. યાર્ડની કામગીરી બાદ CSMT સ્ટેશનથી જતી અને આવતી તમામ એક્સપ્રેસ ટ્રેનો 10 કલાક વધુ સમય લઈ રહી છે. જેની અસર લોકલ ટ્રેનો પર પણ પડી રહી છે.
CSMT સ્ટેશન પર પ્લેટફોર્મ 10 થી 12ની લંબાઈ વધારવામાં આવી છે. આ ઉપરાંત નવી રૂટ રિલે ઇન્ટરલોકિંગ (RRI) સિસ્ટમ બનાવવામાં આવી છે. આ ટેક્નકલ શબ્દની સામાન્ય લોકોને સમજ નહીં પડે, પણ જાણકારી માટે કે ટ્રેક ચેન્જ અને સિગ્નલ ચેન્જની પ્રક્રિયા આ સિસ્ટમ દ્વારા થાય છે,જેમાં ક્રોસ ઓવર પોઈન્ટ અને ટ્રેક સર્કિટ પણ હોય છે. ક્રોસ ઓવર પોઈન્ટ એ ટ્રેકનો તે ભાગ છે જ્યાંથી ટ્રેન એક ટ્રેકથી બીજા ટ્રેક પર જાય છે. તેની નજીક ટ્રેક સર્કિટ પણ હોય છે. જે રૂટ રિલે ઇન્ટરલોકિંગને જાણ કરે છે કે ટ્રેન પસાર થઈ રહી છે. ટ્રેન પસાર થઇ ગયા બાદ સિગ્નલનો રંગ લાલ, લીલો કે પીળો થાય છે. અગાઉ, ટ્રેક સર્કિટમાંથી ટ્રેન પસાર કે તરત જ તેની પાછળ બીજી ટ્રેન તે જ ક્રોસ ઓવર પોઇન્ટ પરથી પસાર થવા માટે તૈયાર થઈ જતી હતી. નવી સિસ્ટમ લગાવ્યા બાદ હવે બીજી ટ્રેને બે ક્રોસ ઓવર પોઈન્ટ પરથી ટ્રેન પસાર થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.
હવે તમને સવાલ થશે કે આટલા કારણસર એક્સપ્રેસ ટ્રેનો 10 કલાક વધુ સમય કેવી રીતે લે? તો મધ્ય રેલવેએ એનો પણ જવાબ આપ્યો છે. મધ્ય રેલવે જણાવે છે કે CSMT થી દરરોજ 75 જોડી એટલે કે 150 લાંબા અંતરની ટ્રેનોની આવન-જાવન રહે છે. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે છે, ત્યારે તેને રેકને યાર્ડ સુધી પહોંચાડવા, ટ્રેનનો Loco (એન્જિન) દૂર કરવા અને ટ્રેક સાફ કરવા માટે ચાર ટ્રીપ લાગે છે. દર વખતે જ્યારે આ રાઉન્ડ કરવામાં આવે છે, ત્યારે ટ્રેનને ક્રોસ ઓવર પોઇન્ટમાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયાનો વિસ્તાર મસ્જિદ બંદર સ્ટેશન સુધી વિસ્તરેલો છે. CSMT સ્ટેશન પર 150*4 એટલે કે કુલ 600 વાર આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે. અને જો આ પ્રત્યેક પ્રક્રિયા વખતે માત્ર 1 મિનિટ પણ લાગે છે, તો એક દિવસમાં કુલ 10 કલાકનો સમયનો વ્યય તો એમાં જ થઇ જાય છે.