ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લો,ડ્રગ્સને ના કહો
નાશિકમાં ૨૭મા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન
નાસિક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાસિકમાં ૨૭માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યા પછી એક જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના યુવાનોને ૨૧મી સદીની સૌથી ભાગ્યશાળી પેઢી ગણાવી હતી, જે ‘અમૃત કાળ’ દરમિયાન દેશને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે, અને તેમને વંશવાદી રાજકારણના પ્રભાવને “ઘટાડવા માટે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે યુવાનોને શક્ય તેટલી વહેલી તકે મતદાતા તરીકે નોંધણી કરાવવા વિનંતી કરી. તેમજ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા જણાવ્યું હતું. તેમણે યુવાનોને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા વિનંતી કરી અને તેમને માતાઓ અને બહેનોના નામ પર અપમાનજનક શબ્દોનો ઉપયોગ ન કરવા અપીલ કરી.
મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદને યાદ કરતાં તેમણે કહ્યું કે યુવાનો પાસે તેમની પ્રતિબદ્ધતા અને બુદ્ધિના કારણે અમૃતકાળમાં ઈતિહાસ રચવાની ક્ષમતા છે. દર વર્ષે ૧૨ જાન્યુઆરી (સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ)થી ૧૬ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. મોદીએ સ્વામી વિવેકાનંદને દેશ ગુલામીમાં હતો એવા સમયે ભારતીયોમાં નવી ઊર્જાનો સંચાર કરનાર નેતા ગણાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું ભારત ટોચની પાંચ વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. યુવાનોની પ્રતિબદ્ધતા અને ક્ષમતાને કારણે તે ટોચની ત્રણ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમની યાદીમાં સ્થાન ધરાવે છે. ભારતમાં સૌથી સસ્તો મોબાઇલ ડેટા વિશ્ર્વના લોકોને આશ્ર્ચર્યચકિત કરે છે. આપણે વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું છે, વિશ્ર્વ આજે ભારતને એક કુશળ કાર્યબળ ધરાવતા દેશ તરીકે જુએ છે.
વડા પ્રધાને કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની માતા રાજમાતા જીજાબાઈને શ્રદ્ધાંજલિ આપવા મહારાષ્ટ્ર આવવું તેમનું સૌભાગ્ય છે. (પીટીઆઈ)