શોકમાં રાહત માટે પેરોલ આપી શકાય તો ખુશીના પ્રસંગ માટે પણ આપવા જોઈએ: હાઈકોર્ટ

મુંબઈ: વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જઈ રહેલા પોતાના પુત્રને વિદાય આપવા માટે એક વ્યક્તિના પેરોલ મંજૂર કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો શોકના સમયે રાહત આપવા પેરોલ આપી શકાય તો સુખદ પ્રસંગ માટે પણ પેરોલની મંજૂરી આપવી જોઈએ. અદાલતે એમ પણ જણાવ્યું હતું કે દોષિતોને થોડા સમય માટે શરતી મુક્તિની મંજૂરી આપવામાં આવે છે જેથી તેઓ બહારની દુનિયાના સંપર્કમાં રહે અને તેમના પારિવારિક કામકાજની વ્યવસ્થા કરી શકે. જેલના સળિયા પાછળ રહેલી વ્યક્તિ કોઈનો પુત્ર, પતિ, પિતા અથવા ભાઈ હોય છે એ યાદ રાખવું જોઈએ. ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે અને ન્યાયમૂર્તિ મંજુષા દેશપાંડેની ખંડપીઠે ૯ જુલાઈના આદેશમાં જણાવ્યું હતું કે પેરોલ અને ફર્લોની જોગવાઈઓ પ્રસંગોપાત દોષિતો પ્રત્યે ‘માનવતાવાદી અભિગમ’ તરીકે જોવામાં આવી રહી છે.
અદાલત વિવેક શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. એ અરજીમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં ભણવા માંગતા તેના પુત્રના શિક્ષણ માટે ટ્યુશન ફી અને અન્ય ખર્ચની વ્યવસ્થા કરવા અને તેને વિદાય આપવા માટે પેરોલની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Indian Railwayનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી નહીં કહેતાં કીધું નહોતું…
ફરિયાદી પક્ષે અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સામાન્ય રીતે કટોકટીની પરિસ્થિતિમાં પેરોલ આપવામાં આવે છે. તેનું કહેવું હતું કે શિક્ષણ માટે પૈસાની વ્યવસ્થા કરવી અને પુત્રને વિદાય આપવી એ એવા કારણો નથી કે જેના પર પેરોલ આપવા જોઈએ.
ફરિયાદીનો આ તર્ક સમજી નથી શકાતો એમ જણાવી હાઈકોર્ટે ઉમેર્યું હતું કે ‘દુઃખ એક મનઃસ્થિતિ છે અને એ જ રીતે સુખ પણ છે. જો દુ:ખમાં રાહત માટે પેરોલ આપી શકાય તો કોઈના આનંદમાં સહભાગી શું કામ ન થવું જોઈએ. જો લગ્નની ઉજવણી કરવા માટે પેરોલ આપી શકાય છે તો પછી આ કેસમાં અરજદારને પુત્રના વિદેશમાં શિક્ષણ માટે ટ્યુશન ફીની વ્યવસ્થા કરવા અને તેને વિદાય આપવા માટે પેરોલની જરૂર છે તો નિયમનો લાભ તેને કેમ નથી આપી શકાતો એ સમજવું મુશ્કેલ છે એવી દલીલ અદાલતે કરી હતી. અદાલતે શ્રીવાસ્તવને દસ દિવસના પેરોલ આપ્યા હતા.
શ્રીવાસ્તવને ૨૦૧૨ ની હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તે આજીવન કેદની સજા કાપી રહ્યો છે. ૨૦૧૮માં તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને ૨૦૧૯માં સજા સામે તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. અરજી મુજબ તેના પુત્રની પસંદગી ઓસ્ટ્રેલિયાના એક કોર્સ માટે કરવામાં આવી છે, જેના માટે મુસાફરી અને રહેવાના ખર્ચ સાથે 36 લાખ રૂપિયાની ટ્યુશન ફી જમા કરાવવા જરૂરી છે. શ્રીવાસ્તવે પૈસાની વ્યવસ્થા કરવા અને તેના પરિવારને મદદ કરવા માટે એક મહિના માટે પેરોલ પર મુક્ત કરવાની માંગ કરી હતી