સંસદમાં સ્મોક બૉમ્બ દ્વારા હુમલો કલ્યાણમાં ફટાકડાની દુકાનોની તપાસ શરૂ
કલ્યાણ: સંસદ ભવનમાં ઘૂસણખોરી કરવા બદલ છ વ્યક્તિને પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે. સંસદ ભવનમાં સ્મૉક બૉમ્બ લઈને વિરોધ પ્રદર્શન કરનાર આરોપીઓએ આ સ્મૉક બૉમ્બ થાણે જિલ્લાના કલ્યાણ શહેરની એક ફટાકડાની દુકાનમાથી ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. દિલ્હી પોલીસને આ માહિતી મળતા હવે કલ્યાણ શહેરના ફટાકડા વ્યાપારીઓની તપાસ કરવામાં આવી રહી છે.
શહેરના અહિલ્યા બાઈ ચોકમાં આવેલા એક ફટાકડાનાં વેપારી સાથે પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં વેપારીએ કહ્યું હતું કે સંસદ ભવનમાં વપરાયેલા સ્મૉક બૉમ્બનો આકાર અમારી પાસે મળતી સ્મૉક બૉમ્બનાં આકારથી નાના આકારના છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ સંસદ ભવનના આરોપીઓએ કલ્યાણમાથી આ સ્મૉક બૉમ્બ ખરીદ્યા હોવાની માહિતી મળતા શહેરના સ્થાનિક પોલીસ દ્વારા દરેક ફટાકડાનાં વેપારીઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ટીમ દ્વારા આ સ્મૉક બૉમ્બની ક્ષમતા અને તેનાથી થતા નુકસાનની માહિતી વ્યાપારીઓ અને દુકાનદારો પાસેથી જમા કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.