નવી મુંબઈમાં મહિલાની હત્યા કરી દાગીનાની લૂંટ ચલાવનારો પકડાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈના પનવેલ નજીક ગળું દબાવીને મહિલાની હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ ચલાવનારા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો : શાહપુરમાં ગોળી મારી જ્વેલરી સ્ટોરના સેલ્સમૅનની હત્યા: શૂટરો બૅગ લૂંટી ફરાર…
નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ શરદ ઘનશ્યામ સાહુ (45) તરીકે થઈ હતી. કોર્ટે 26 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
પનવેલ તાલુકા પોલીસના જણાવ્યા મુજબ ઘટના 7 ઑક્ટોબરની સાંજે વળપ ગામની હદમાં નિર્જન સ્થળે બની હતી. ખાનગી ક્લાસીસ ચલાવતી સંગીતા આગવણે (49) ચાલતી ઘરે જઈ રહી હતી ત્યારે ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપી મહિલાએ પહેલાં અંદાજે બે લાખ રૂપિયાના સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયો હતો.
આ પ્રકરણે પનવેલ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે વળપ ગામમાં રહેતો એક શકમંદ લૂંટેલા દાગીના સાથે મધ્ય પ્રદેશના રિવા ખાતે ગયો છે. રિવા પહોંચેલી પોલીસની ટીમે શકમંદને તાબામાં લઈ પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો : હત્યાના પ્રયાસ કેસના આરોપીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું
વળપ ગામની ભામા પાટીલ બિલ્ડિંગમાં રહેતા સાહુએ દાગીના આપ્યા હોવાનું શકમંદે કહ્યું હતું. માહિતીને આધારે પોલીસે સાહુને તાબામાં લઈ પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.