આમચી મુંબઈ

પનવેલમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણને નામેએક કરોડની છેતરપિંડી કરનારો પકડાયો

થાણે: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા પર ઊંચા વળતરની લાલચે નવી મુંબઈના રહેવાસી પાસેથી 1.03 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.

પકડાયેલા આરોપીની ઓળખ ઝુબેર ખાન (34) તરીકે થઈ હતી. પનવેલ સાયબર સેલનાં ઈન્સ્પેક્ટર દીપાલી પાટીલે જણાવ્યું હતું કે મુંબઈના જરીમરી વિસ્તારમાં રહેતા આરોપીએ નવી મુંબઈના પનવેલ ખાતે રહેતા ફરિયાદીને ફેસબુકની પોસ્ટના માધ્યમથી લલચાવ્યો હતો. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરેલી રકમ પર આકર્ષક વળતરની લાલચ પોસ્ટમાં અપાઈ હતી.
ફરિયાદીએ નાણાં રોકવાની ઇચ્છા વ્યક્ત કરતાં આરોપીએ વ્હૉટ્સઍપના માધ્યમથી સંપર્ક સાધ્યો હતો. ખોટી ઓળખ ઊભી કરીને આરોપીએ બોગસ તસવીરો મોકલાવી ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.

આ પણ વાંચો: ક્રિપ્ટોકરન્સી અંગે કેન્દ્ર સરકાર ગંભીર, લાવી શકે છે કાયદો

આરોપીની વાતોમાં ફસાઈને ફરિયાદીએ સમયાંતરે 1.03 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં ફરિયાદીને કોઈ વળતર મળ્યું નહોતું. પોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ બુધવારે આરોપીને થાણે નજીકના મુંબ્રા ખાતેથી તાબામાં લેવાયો હતો. તપાસ માટે આરોપીનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button