આ કારણે હારી પંકજા મુંડે, ભાજપે 28 વર્ષ બાદ બીડની બેઠકથી હાથ ધોવા પડ્યા
બીડઃ મુંબઈઃ લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના બીડ મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના 28 વર્ષના શાસનનો 4 જૂને અંત આવ્યો. પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ ચંદ્ર પવાર (NCP-SP)ના બજરંગ સોનાવણે સામે હારી ગયા.
ભાજપના જન નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડેએ બીડને એક નવી ઓળખ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના નેતૃત્વને પરિણામે ભાજપે 1996 થી 2019 સુધી આ બેઠક જાળવી રાખી હતી.
તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપે બે વખતના સાંસદ પ્રિતમ મુંડેની બહેન પંકજા મુંડેને ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો હતો.
મરાઠા આરક્ષણ આંદોલન, જેણે મરાઠાવાડા પ્રદેશના આઠ જિલ્લાઓમાં ભારે અસર કરી તે વચ્ચે શરદ પવારની એનસીપી દ્વારા ઊભા કરાયેલા પડકારોનો સામનો કરવા માટે પંકજા મજબૂત દાવેદાર માનવામાં આવતી હતી.
જોકે, ચૂંટણીના પરિણામો સામે આવતાં પાર્ટીનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. પંકજા મુંડેને 6.77 લાખ (44.50 ટકા) વોટ મળ્યા, જ્યારે તેમના હરીફ બજરંગ સોનવણેને 6.83 લાખ (44.93 ટકા) વોટ મળ્યા.
2014-2019 સુધી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની શિવસેના-ભાજપ ગઠબંધન સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સેવા આપનાર પંકજા મુંડેની હાર માટે અનેક પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
બીડ સંસદીય બેઠકની ચૂંટણી હંમેશા મરાઠા વિરુદ્ધ ઓબીસીની આસપાસ ફરતી રહી છે. આ અર્થમાં, અનામત આંદોલનને કારણે મતોનું ધ્રુવીકરણ એ નવી ઘટના નથી. છતાં છેલ્લી સળંગ 28 ચૂંટણીઓમાં બીડમાં ઓબીસી અને મરાઠા સમુદાયનો એક સરખો સાથ ભાજપ અને મુંડે પરિવારને મળ્યો છે.
બીડના એક વરિષ્ઠ ઓબીસી નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પંકજા મુંડે OBC અને મરાઠા આરક્ષણ મામલે મજબૂત પક્ષ લેવામાં નિષ્ફળ ગયા, જેના કારણે તેમની હાર થઈ.
ઑક્ટોબર 2023 માં મરાઠા આંદોલન દરમિયાન, બીડમાં OBC ધારાસભ્ય પ્રકાશ સોળંકેના ઘરને, અન્ય OBC સમુદાયના લોકોની માલિકીની ઓફિસો, હોટલોની સાથે આગ લગાડવામાં આવી હતી. આ સમયે છગન ભુજબળ સિવાય કોઈ સ્પષ્ટ રીતે આ ઘટનાઓની નિંદા કરવા બહાર આવ્યું ન હતું.
પંકજાના આ મૌન અને ઓબીસી સમાજ પ્રત્યેની નિષ્ક્રિયતાએ તેની બેઠકનો ભોગ લીધો. આ સાથે કેન્દ્રની ટીમ સાથે જોડાયેલી પંકજા સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન ન આપી શકી અને તેનો વિસ્તાર સાથેનો સંબંધ નબળો થયો.
પંકજા અને પાર્ટી સામેના સમુદાયના ગુસ્સાને કાબૂમાં લેવા માટે ભાજપના મરાઠા નેતાઓના પ્રયાસો કામ ન આવ્યા. આ સાથે ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો અને રાજ્યભરમાં મોદી સરકાર વિરુદ્ધના સેન્ટીમેન્ટ્સ પણ પંકજાને નડી ગયા.
જૂન 2019 માં પિતા ગોપીનાથ મુંડેના મૃત્યુ પછી, બીડમાં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રિતમ મુંડેનો વિજય થયો હતો. બાદમાં તેમણે 2019ની ચૂંટણીમાં આ સીટ જાળવી રાખી હતી.
2019 માં મુંડે બહેનો નારાજ હતી કે પ્રીતમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટમાં સ્થાન ન મળ્યું. જેની સામે સ્થાનિક નેતાઓએ પણ રાજીનામું આપી દીધું હતું. પકંજાએ મહારાષ્ટ્ર ભાજપ સામે ઘણીવાર બાંયો ચડાવી છે જોકે દર વખતે તેને શાંત પાડવામાં આવી છે.
લોકસભાની ટિકિટ મળવાથી તેને કેન્દ્રીય રાજકારણમાં મહત્વની ભૂમિકા મળશે તેવી તેની આશાઓ પર પાણી ફેરવાઈ ગયું છે.
1957થી 1991 સુધી બીડ લોકસભામાં કોંગ્રેસનું પાંચ વખત વર્ચસ્વ હતું. 1952 માં, તે સમયના પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ 1967 અને 1977માં બે વાર આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
Also Read –