પુણેમાં મેટ્રોના કામ વખતે હેન્ડગ્રેનેડ મળતાં ગભરાટ
પુણે: પુણેમાં બાણેર ખાતે આયસરલ ઈન્સ્ટિટ્યૂટ ખાતે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું એ સમયે એક જૂનું કાટ ખાઇ ગયેલું હેન્ડગ્રેનેડ મળી આવ્યું હોવાનો ચોંકાવનારો પ્રકાર બન્યો હતો. બોમ્બ દેખાયા બાદ મેટ્રોના કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. આખો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.
મેટ્રોના કામ દરમિયાન હેન્ડગ્રેનેડ મળી આવ્યા બાદ બોમ્બ ડિટેક્શન સ્કવોડ (બીડીએસ) અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આયસર ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું. ઈન્સ્ટિટ્યૂટની ખુલ્લી જગ્યામાં પાઈપ નાખવાના કામ સમયે ચાર ફૂટ જમીન ધસી જતાં ખાડો પડી ગયો હતો. એ જ ઠેકાણેથી હેન્ડગ્રેનેડ મળી આવ્યું હતું. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને બીડીએસની ટીમ પહોંચી ગઇ હતી. બોમ્બની ચકાસણી કર્યા બાદ એ જૂનો અને બ્રિટિશના જમાનાનો હેન્ડગ્રેનેડ બોમ્બ હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.
બોમ્બ ઘણો જૂનો હોવાથી એ જ ઠેકાણે મોટો ખાડો કરીને બોમ્બને નષ્ટ કરવામાં આવ્યો છે. જોકે બોમ્બ મળી આવવાને કારણે આખા વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ ફેલાઇ ગયું હતું અને મેટ્રોના કામને થોભાવી દેવામાં આવ્યું હતું. આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. જોકે મોટો અનર્થ ટળ્યો હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. વધુ તપાસ ચાલી રહી છે.