પંચવટી એક્સપ્રેસના ડબ્બા છુટા પડ્યા: કોઈને ઈજા નહીં
મુંબઈ: નાશિક અને મુંબઈ વચ્ચે દોડતી પંચવટી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા શનિવારે સવારે કસારા નજીક છૂટા પડી ગયા હતા. જોકે, કોઈ પણ ઉતારુને ઈજા નહોતી થઈ એમ સંબંધિત રેલવે અધિકારીએ જણાવ્યું હતું. ટ્રેનના ડબ્બા જોડી દેવામાં આવ્યા બાદ 40 મિનિટ પછી ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં મનમાડ સ્ટેશનેથી ઉપડેલી પંચવટી એક્સપ્રેસ મુંબઈ જઈ રહી હતી ત્યારે કસારા રેલવે સ્ટેશન નજીક કેટલાક ડબ્બા છુટા પડી ગયા હતા. સવારે 8.40 વાગ્યે ટ્રેન કસારા સ્ટેશનમાંથી બહાર નીકળી ત્યારે આ બનાવ બન્યો હતો એમ મધ્ય રેલવેના જાહેર સંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું.
વધુ માહિતી આપતા અન્ય રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટ્રેનના ડબ્બા વિવિધ કારણોસર અલગ થઈ શકે છે. જોકે, શનિવારે ટ્રેનની ઝડપ વધારવામાં આવી ત્યારે અચાનક ઝટકો લાગવાને કારણે ડબ્બા અલગ થયા હતા. પાટા બદલવાની જગ્યાએ ટેક્નિકલ ખામી થવાને કારણે કલ્યાણ જંકશન પાસે પણ 10 મિનિટ માટે વિલંબ થયો હતો.’