મોડા આવવા બદલ છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને 100 ઊઠ-બેસની શિક્ષા: સપ્તાહ બાદ થયું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
પાલઘર: પાલઘર જિલ્લાની એક શાળામાં મોડા આવવા બદલ છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને 100 ઊઠ-બેસની શિક્ષા આપવામાં આવ્યાના સપ્તાહ બાદ તેનું મૃત્યુ થયું હતું, જેને પગલે આ પ્રકરણે અધિકારીઓ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે.
વિદ્યાર્થિનીની ઓળખ અંશિકા (કાજલ) ગૌડ તરીકે થઇ હોઇ તે વસઇ પૂર્વના સાતીવલી ખાતે કુવરપાડા વિસ્તારમાં આવેલી શાળામાં ભણતી હતી. શુક્રવારે રાતે મુંબઈની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.
શાળામાં 8 નવેમ્બરે સવારે પાંચ વિદ્યાર્થી મોડા આવ્યા હતા, જેમાં અંશિકાનો પણ સમાવેશ હતો. આને કારણે તેમને 100 ઊઠ-બેસ કરવાની શિક્ષા આપવામાં આવી હતી. અમુકે તો ખભા પર બેગ સાથે ઊઠ-બેસ કરવી પડી હતી.
આ પણ વાંચો : શિસ્તના પાઠ ભણાવનાર શિક્ષકોનું આવું વર્તન …. આગ્રાની શાળાનો એક વિડીયો વાઈરલ
ઘરે ગયા બાદ અંશિકાની તબિયત બગડતાં તેને વસઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે તબિયત વધુ લથડતાં તેને બાદમાં મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં શુક્રવારે રાતે તેનું મૃત્યુ થયું હતું.
દરમિયાન અંશિકાના મૃત્યુ બાદ પરિવારજનોએ શાળાના મેનેજમેન્ટ અને શિક્ષક પર બેદરકારીનો આરોપ કર્યો હતો. ઘટનાની તપાસ કરીને દોષી સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી તેમણે કરી છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં શાળાની બહાર એકઠા થયા હતા. વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હોવાનું જણાયા બાદ વાલિવ પોલીસે શાળામાં તથા હોસ્પિટલમાં જઇને તપાસ કરી હતી.
આ પણ વાંચો : વિદ્યાર્થીએ વધારાની એક દિવસની છુટ્ટી માટે એવુ કારણ આપ્યું કે તમે પણ હસીને લોટપોટ થઇ જશો…
અંશિકાની માતાએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષક દ્વારા અપાયેલી ‘અમાનવીય શિક્ષા’ને પરિણામે મારી પુત્રીનું મૃત્યુ થયું હતું. શિક્ષકે તેને ખભા પર બેગ સાથે ઊઠ-બેસ કરવાની શિક્ષા આપી હતી. શિક્ષા ભોગવ્યા બાદ મારી પુત્રીની તબિયત બગડી હતી. તેના ગળા અને પીઠમાં દુખાવો ઉપડ્યો હતો અને તે ઊઠી શકી નહોતી. બનાવની જાણ થતાં હું શાળામાં ગઇ હતી અને શિક્ષકને આ અંગે પૂછ્યું હતું. ત્યારે કહેવામાં આવ્યું હતું કે શાળામાં મોડા આવવા બદલ વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી હતી. શિક્ષકે સજાને યોગ્ય ઠેરવી હતી અને કહ્યું હતું કે વાલીઓ ફી ભર્યા છતાં વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણ ન આપતા હોવાનો અમારા પર આરોપ લગાવે છે.
શાળાના એક શિક્ષકે જણાવ્યું હતું કે એ વિદ્યાર્થિનીને કેટલી ઊઠ-બેસ કરાવવામાં આવી હતી તે જાણી શકાયું નથી. ખરેખર કોઇને ખબર નથી કે તેનું મૃત્યુ આને કારણે થયું છે કે અન્ય કોઇ કારણથી. બીજી તરફ રાજકીય પક્ષના નેતાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીને પહેલેથી જ સ્વાસ્થ્યની સમસ્યા હોવા છતાં તેને શિક્ષા આપવામાં આવી હતી.



