
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લામાં શુક્રવારે આખો દિવસ મુશળધાર વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગે શનિવારના પાલઘર માટે રેડ અલર્ટની ચેતવણી આપી હોઈ અતિવૃષ્ટિની શક્યતા છે. આ દરમ્યાન ભારે વરસાદને પગલે પાલઘર જિલ્લાના ત્રણેય બંધ છલકાઈ ગયા હતા.
શુક્રવારના આખો દિવસ ભારે વરસાદ પડવાને પગલે મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ જવાની સાથે જ અનેક જગ્યાએ ટ્રાફિક જૅમની સમસ્યા નિર્માણ થઈ હતી.
આપણ વાંચો: મુંબઈમાં મુશળધાર વરસાદ; લોકલ ટ્રેન સર્વિસ પ્રભાવિત, ઉંચી ભરતીની આગાહી
શનિવાર માટે હવામાન વિભાગે રેડ અલર્ટની ચેતવણી આપી હોવાથી જિલ્લા અધિકારીએ જિલ્લાની તમામ આંગણવાડી, નગરપાલિકાની સ્કૂલ, તમામ આશ્રમશાળા, ખાનગી અને સરકારી સ્કૂલ અને કૉલેજ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાને ૨૬ જુલાઈ માટે સત્તાવાર રજા જાહેર કરી છે. શુક્રવારે પણ આખો દિવસ પાલઘરમાં મુશળધાર વરસાદ પડયો હતો.
પાલઘર જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો હોવાથી તાનસા, મોડકસાગર અને મિડલ વૈતરણા બંધ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાઈ ગયા હોવાથી તકેદારીના પગલારૂરપે બંધમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.
આપણ વાંચો: થાણેમાં મુશળધાર વરસાદઃ પુલ ધોવાયો, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 54 લોકોને બચાવાયાં
સવારના ૧૧ વાગે તાનસા બંધના કુલ ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ૧૧ વાગે ૨૨,૧૦૦ ક્યુસેક પાણી તથા બપોરના ત્રણ વાગે ૨૩,૨૧૦.૪૬ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અહીં સવારના છ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૭૩.૦ મિ.મી. વરસાદ પડ્યો હતો. મોડકસાગર બંધમાંથી ૧૪,૧૭૮ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
આ સમય દરમ્યાન ૬૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો મિડલ વૈતરણા બંધમાંથી ૨૦૧૩ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યો છે. અહીં સવારના છથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૪૮.૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો.