પાલઘરમાં વિનાશી વરસાદ: એકનું મોત, ઘરો-રસ્તાઓ તૂટી પડ્યા…

પાલઘર: પાલઘર જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા હતા. અનેક ઘરો, રસ્તાઓેને નુકસાન થયું હતું, એમ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. વરસાદી ઘટનામાં એક જણનું મોત થયું હતું જ્યારે પૂરગ્રસ્ત ગામોમાંથી અનેકને બચાવાયા હતા.
દહાણુ તાલુકામાં રવિવારે રાત્રે પૂરના પાણીમાં તણાઇ જવાને કારણે પંચાવન વર્ષની વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે જિલ્લાના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાનું કામ પ્રશાસન દ્વારા હાથ ધરાયું હતું, એમ તેમણે જણાવ્યું હતું.
રાયપુર-ગિમ્બાલપાડાના રહેવાસી સદાનંદ દેવૂ ભુરભૂરા નામની વ્યક્તિ પૂરના પાણીમાં વહી ગઇ હતી જેનો મૃતદેહ સોમવારે સવારે કલામદેવી ખાતે મળી આવ્યો હતો, એમ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું.
દહાણુમાં વંકાસ આંબેવાડી અને સાવણે વચ્ચે વરસાદને કારણે રસ્તાને ખાસ્સું નુકસાન થયું હતું તેથી વાહનવ્યવહાર ઠપ થયો હતો.
જ્યારે સેવગે ચાવડપાડા-કોઠારપાડા રોડ તૂટી પડ્યો હોવાથી અહીંથી વાહનવ્યવહાર અટકાવી દેવાયો હતો અને વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવી પડી હતી. જવ્હાર તાલુકાના વાવર અને વાંગણી વચ્ચેના મુખ્ય બ્રિજ પર પાણી ફરી વળતા ટ્રાફિક જૅમ થઇ ગયો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પિંપલશેટ ખાતે પાણીનો પ્રવાહ વધતા ફસાઇ ગયેલા પચાસ ગામવાસીઓને બચાવાયા હતા, જ્યારે વાડા તાલુકામાં પચીસ લોકોને જિલ્લા પરિષદની સ્કૂલમાં આસરો આપવામાં આવ્યો હોવાનું પોલીસ અને મહેસુલ અધિકારીઓએ જણાવ્યું હતું.
તલાસરી તાલુકામાં વડવલીના ઓઝરપાડાના ૩૬ને પણ બચાવાયા હોવાનું તેમણે જણાવ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…મુંબઈમાં વરસાદનું જોર ઘટ્યું…