નદીના પાણીમાં ઝેર ભેળવવા સામે વિરોધ કરનારા પ્રૌઢની હત્યા: ત્રણ જણ ઝડપાયા

પાલઘર: પાલઘર જિલ્લામાં નદીના પાણીમાં ઝેરી પદાર્થ ભેળવવા સામે વિરોધ કરનારા પંચાવન વર્ષના પ્રૌઢની હત્યા કરવામાં આવી હતી.
સોમવારે આ ઘટના બની હતી અને મોખાડા પોલીસે ગુનો દાખલ કરીને 12 કલાકમાં ત્રણ જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતકની ઓળખ નવાસુ લડક્યા ફુફાણે તરીકે થઇ હોઇ તે મોખાડા તાલુકાના સતુર્લી ગામમાં રહેતો હતો. વૈતરણા નદીમાં માછલી મારવા માટે ત્રણ જણ ઝેરી પદાર્થ ફેંકી રહ્યા હતા ત્યારે મૃતકે તેનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: ભિવંડીમાં મિત્રોએ વિવાદ બાદ યુવકનીકરી હત્યા: ત્રણ ભાઇની ધરપકડ…
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ યતિશ દેશમુખે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ જિતેન્દ્ર ઉર્ફે જીતુ જયરામ પાટીલ (31), રિતેશ ઉર્ફે ગુડ્ડુ તુકારામ પાટીલ (23) અને પ્રમોદ ઉર્ફે પન્યા ચિંતામણ વર્ઘાડે (25) તરીકે થઇ હતી. ત્રણેય સતુર્લી ગામના રહેવાસી છે.
ત્રણેય આરોપીએ નવાસુને ગાળો ભાંડી હતી અને ત્યાર બાદ નવાસુ તથા તેના પુત્ર પર લાઠીથી હુમલો કર્યો હતો. તેમણે બાદમાં નવાસુને રસ્સીથી બાંધ્યો હતો અને ખેંચીને તેને ગામમાં લઇ જઇ ત્યાં પણ તેની મારપીટ કરી હતી, જેમાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: વસઈમાં ભારે વસ્તુ ફટકારી મિત્રની હત્યા કરનારો આરોપી દ્વારકા નજીકથી પકડાયો
દરમિયાન નવાસુના પુત્રએ આ પ્રકરણે મોખાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓને પકડવા માટે ટીમ તૈયાર કરી હતી. પોલીસ ટીમે ત્રણેય આરોપીને ગુનો દાખલ થયાના 12 કલાકમાં ઝડપી પાડ્યા હતા.
(પીટીઆઇ)